CM વિજય રૂપાણીએ નેશનલ ડોક્ટર્સ દિન નિમિત્તે ડોક્ટરોને શુભેચ્છાઓ આપી
Live TV
-
1 જુલાઈના રોજ દર વર્ષે ડૉ. બી.સી. રોયની યાદમાં ડૉક્ટર દિવસ મનાવવામાં આવે છે
1 જુલાઈના રોજ દર વર્ષે ડૉ. બી.સી. રોયની યાદમાં ડૉક્ટર દિવસ મનાવવામાં આવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નેશનલ ડોક્ટર્સ દિનના અવસરે પ્રર્વતમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં કોરોના વોરિયર્સમાં સૌથી વધુ અગત્યની ભૂમિકા ભજવી રહેલા ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના ડોક્ટરોની સેવાઓને બિરદાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી તબીબી જગતનો આભાર વ્યકત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી
ડૉક્ટરો દર્દીઓને યોગ્ય સારવાર પૂરી પાડીને સાજા કરે છે તે માટે આ દિવસે તેમના પ્રત્યે આદરભાવ-કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ પણ છે. કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં રાત-દિવસ જોયા વિના પ્રથમ દિવસથી જ કોરોનાની લડાઈમાં ગુજરાત સહિત સમગ્ર દેશના ડૉક્ટર્સ છેલ્લા દોઢ વર્ષથી રાત-દિવસ લડી રહ્યા છે. કોરોના સામેની લડાઈમાં આપણા ડૉક્ટરોએ માત્ર સમયનો જ ભોગ નથી આપ્યો, પરંતુ રાષ્ટ્રના નાગરિકોની સેવા કરતાં પોતાના પ્રાણની આહૂતિ પણ આપી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જ્યારે દેશ પર કુદરતી કે માનવસર્જીત આપત્તિ આવી પડે તેવા સંજોગોમાં ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના સૌ સદસ્યો ખડેપગે સેવા કરવા તત્પર રહે છે. આઝાદી લડતમાં પણ ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના સભ્યોએ જોડાઈને પોતાનું સક્રિય યોગદાન આપ્યુ હતું. મેડીકલ ફેટરનિટી છેલ્લા દોઢ વર્ષથી સતત કોરોનાની સામે લડાઈ લડી રહી છે તે કાબિલે દાદ છે.
ગુજરાતે આરોગ્ય ક્ષેત્રમાં પ્રશંસનીય કાર્ય કર્યું છે. ગુજરાત ‘મેડીકલ ટુરિઝમ’ના હબ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત થાય તે દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે. માતાના ગર્ભથી માંડીને વૃધ્ધાવસ્થા સુધી લોકોને આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે અનેકવિધ યોજનાઓનો અસરકારક અમલ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, શહેરી વિસ્તારમાં 20 મિનિટમાં અને ગ્રામીણ વિસ્તારમાં 25 મિનિટમાં 108 ઈમરજન્સી સેવાનો લાભ ગુજરાતની જનતાને પ્રાપ્ત થઈ રહ્યો છે. આજે સમગ્ર દેશમાં ‘આયુષ્યમાન ભારત કાર્ડ’ આપવામાં આવે છે તેનો જન્મ નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ‘મા કાર્ડ’ સ્વરૂપે ગુજરાતમાં થયો હતો.
