CM વિજય રૂપાણીના હસ્તે "હું પણ કોરોના વોરિયર" અભિયાનનું થયું લોન્ચિંગ
Live TV
-
તા. 21મીથી તા. 27મી મે દરમિયાન અભિયાન હાથ ધરાશે, મુખ્યમંત્રીએ દરેક નાગરિકને ત્રણ સંકલ્પ લેવાની અપીલ કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘હું પણ કોરોના વોરિયર અભિયાન’ની જાહેરાત કરી છે. આ અભિયાનનો વિડીયો કોન્ફરન્સથી આરંભ આજે ગુરુવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી કરાવશે અને સાથે કથાકાર મોરારિબાપુ, રમેશ ઓઝા,નામાંકિત લેખક ગુણવંત શાહ સહિત સમાજના વિવિધ વર્ગના નામાંકિત લોકો જોડાશે. મુખ્યમંત્રીએ દરેક ગુજરાતની ત્રણ સંકલ્પ લેવાની અપીલ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશીયલ મિડીયા મારફત રાજયના નાગરિકોને હાંકલ કરતા કહ્યું હતું કે, કોરોના સામેના સીધા જંગમાં પ્રત્યેક ગુજરાતી વોરિયર બની જોડાય. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, બે મહિનાના લોકડાઉન પછી શરતો અને નિયમોને આધિન આ ચોથા તબક્કાના લોકડાઉનમાં છૂટછાટો આપી છે. ‘‘અત્યાર સુધી આપણે ઘરની અંદર હતા તો સુરક્ષિત હતા પણ હવે બહાર નીકળવાનું થશે ત્યારે આપણે કોરોના સાથે સીધો જંગ છેડવાનો છે’’ એમ જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાનું કોઇ નિદાન ના મળે ત્યાં સુધી કોરોના આપણી વચ્ચે જ છે એટલે કોરોના વિરૂદ્ધની લડાઇ ચાલુ જ રહેવાની છે. જો કોઇ ભુલ થઇ તો આફત આવી શકે છે એટલે હવે પછી આપણે કોરોના સાથે, કોરોના સામે જીવતા શીખવું પડશે. એક સપ્તાહના અભિયાન તા.ર૧મી મે થી તા. ર૭ મી મે સુધી ચાલશે અને ત્યારબાદ આ અભિયાન દરમ્યાન લીધેલા સંકલ્પનું કાયમ સૌએ પાલન કરવાનું રહેશે. અભિયાન દરમિયાન સમાજના નામાંકિત વ્યકિતઓ ફેઇસબુક અને ટી.વી.ના માધ્યમથી સૌને માર્ગદર્શન આપશે. અભિયાનના બીજા દિવસે તા.રરમી મે એ સૌ પોતાના વડીલો દાદા-દાદી, માતા-પિતાનું સન્માન કરતાં તેમની સાથે સેલ્ફી લઇને ‘હું પણ કોરોના વોરિયર’ના હેઝટેગ સાથે પોતાના સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરે અને વડીલોનું સન્માન આદર કરે તેવી પણ અપીલ મુખ્યમંત્રીએ કરી છે.
