CM વિજય રૂપાણી : લોક રક્ષક દળ ભરતી પ્રક્રિયામાં કોઈને અન્યાય નહી થાય
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યુ કે કોંગ્રેસે આ મામલામાં રાજકીય લાભ લેવા માટે દર વખતની જેમ છલાંગ મારી છે, પરંતુ ગુજરાતના લોકો હવે કોંગ્રેસની આ મુરાદ બર આવવા દેશે નહિ.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ એલ આર ડી ભરતી પ્રક્રિયા માં કોઈ પણ બહેનને અન્યાય ન થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદના થી આગળ વધી રહી હોવાનું જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસે આ મામલામાં રાજકીય લાભ લેવા માટે દર વખતની જેમ છલાંગ મારી છે, પરંતુ ગુજરાતના લોકો હવે કોંગ્રેસની આ મુરાદ બર આવવા દેશે નહિ. વિજય રૂપાણીએ ઉમેર્યુ કે, આ પ્રશ્નમાં કોઈને અન્યાય ન થાય અને બધાને ન્યાય મળે એ હેતુથી રાજ્ય સરકાર કાયદાકીય પરિપ્રેક્ષ્યમાં વિવિધ રાજ્યોની હાઇકોર્ટના ચુકાદાઓનો અભ્યાસ કરીને સકારાત્મક દિશામાં યોગ્ય નિર્ણય કરવા પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે છેલ્લા 45 દિવસથી વાટાઘાટો કરીને સરકાર આ ભરતીમાં પણ 33 ટકા મહિલા અનામત બાબતે અવશ્ય કાયદાકીય ઉકેલ લાવવા યોગ્ય રસ્તો કાઢવા વિચારાધીન છે. તેમણે ઉમેર્યું કે આ અગાઉ 17 હજાર થી વધુ યુવાનોની પોલીસ દળમાં ભરતી પારદર્શી રીતે કરી છે. તેમની સરકાર સંપૂર્ણ સંવેદનાથી પ્રશ્નોના નિરાકરણ લાવે છે ત્યારે આ એલ આર ડી ભરતી વિષયે પણ સારો અને યોગ્ય ઉકેલ આવશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
