Dy.CM નીતિનભાઈ પટેલે કર્યાં માં અંબાના દર્શન, પૂજા-અર્ચના પણ કરી
Live TV
-
આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આજે યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે માતાજીના દર્શન કરી પૂજા અર્ચના પણ કરી હતી.
વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીને જોડતા દાંતાથી અંબાજી સુધીના ૨૨ કિ.મી.ના રસ્તાને ચાર માર્ગીય બનાવવાનું કામ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૧૨૦ કરોડના ખર્ચે બનાવી પૂર્ણ કરવામાં આવ્યું છે. અંબાજીને જોડતા આ ચારમાર્ગીય રસ્તાનું ત્રિશુળીયા ઘાટ ઉપર બનાવાયેલ વ્યું પોઇન્ટનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મીડિયા મુલાકાતમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને દુનિયાભરના શ્રધ્ધાળુઓ અંબાજી આવી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજીમાં દેશ- વિદેશથી આવતા યાત્રાળુઓની સુવિધાઓમાં વધારો કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ વર્ષ અગાઉ આ રસ્તો મંજુર કરવામાં આવ્યો હતો. જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમદાવાદથી અંબાજી, ડીસા-પાલનપુર થી અંબાજી, હિંમતનગરથી અંબાજી અને ઉત્તર ગુજરાતમાં અંબાજીને જોડતા રસ્તાઓને ચારમાર્ગીય બનાવવામાં આવ્યાં છે. પર્વતવાળા અને ડુંગરીયાળ વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખુબ ઝડપથી રસ્તાઓના કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે, યાત્રાધામ અંબાજીને પ્રવાસન ધામ તરીકે વિકસાવવું એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. અંબાજીમાં હરવા- ફરવા સહિત પ્રવાસનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ઉપરાંત તેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને જણાવ્યું હતું કે, સંભવિત કોરોનાની ત્રીજી લહેરના મક્કમ મુકાબલા માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે સજ્જ છે. મોટા શહેરો અને જિલ્લાની તમામ હોસ્પિટલોમાં સંભવિત ત્રીજી લહેરના સામના માટે અત્યારથી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. વધુમાં તેમણે માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા લોકોને અપીલ કરી હતી.
