GCCIના સહયોગથી મેડિકલ ડિવાઇઝના વિક્રેતાઓ સાથે અમદાવાદ ખાતે સેમિનાર યોજાયો
Live TV
-
આ સેમિનારમાં સ્થળ પર જ સ્પોટ રજિસ્ટ્રેશનના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગુડ ગવર્નન્સ સપ્તાહની ઊજવણી અંતર્ગત GCCIના સહયોગથી મેડિકલ ડિવાઇઝના વિક્રેતાઓ સાથે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આજે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં સ્થળ પર જ સ્પોટ રજિસ્ટ્રેશનના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, ગુજરાત દેશમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને મેડિકલ ડિવાઇસના ક્ષેત્રમાં મોખરાનું સ્થાન ધરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા થ્રુ મેક ઇન ગુજરાતની ઝુંબેશ અન્વયે ગુજરાત ફાર્મા અને મેડિકલ ડિવાઇસ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે ભારત સરકાર દ્વારા બલ્ક ડ્રગ એટલે કે API પાર્ક માટે ગુજરાતની પસંદગી પણ કરાઈ છે, તે આપણા સૌ માટે ગૌરવરૂપ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નિર્માણ થનાર આ પાર્કના પરિણામે ગુજરાત આગામી સમયમાં આ ક્ષેત્રે પણ દેશને નવી દિશા આપશે.
ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA), ફાર્માસ્યુટિકલ ઉધોગના વિકાસ માટે અગત્યની ભૂમિકા ભજવી રહ્યુ છે. ગુજરાતે સર્વાંગી વિકાસ માટે તમામ ક્ષેત્રે પ્રજાકીય સેવામાં વધારો કરવાના હેતુસર તાજેતરમાં ગુડ ગવર્નન્સ દિવસની ઉજવણી કરી છે જેના ભાગરૂપે આ સેમિનારનું આયોજન કરાયું હતું. ભારત સરકાર દ્વારા મેડિકલ ડિવાઇસ ક્ષેત્ર સાથે સંકળાયેલ વિક્રેતાઓ માટે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (એમડી-42) ફરજિયાત કરાતાં રાજયના ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા મેડિકલ ડિવાઇસ ક્ષેત્ર સાથે સંકળાયેલ વિક્રેતાઓ માટે GCCI તથા “અમદાવાદ ઓપ્ટિકલ એસોસિએશન” ના સહયોગથી અમદાવાદ અને તેની આસપાસના જિલ્લાના ઓપ્થેલમીક (Opthalmic) ઉત્પાદનના વેચાણ સાથે સંકળાયેલ વિક્રેતાઓને માહિતગાર કરવા તેમજ સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશન કરીને તેઓને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (એમડી-42) એનાયત કરવા માટે યોજાયેલ આ સેમિનારમાં જિલ્લાના આશરે આ વ્યવસાય સાથે સંકળાયેલ 250 થી વધુ વિક્રેતાઓ સહભાગી થયા હતા.
આ સેમિનારમાં અધિકારીઓ દ્વારા તેઓને મેડિકલ ડિવાઇઝ રૂલ્સ 2017 હેઠળ નોટિફાઇડ થયેલ મેડિકલ ડિવાઇસીસના ઉત્પાદનના લાયસન્સ માટે તેમજ વિક્રેતાઓને વેચાણના રજીસ્ટ્રેશન માટે ઔષધ અને સૌંદર્ય પ્રસાધનના ધારા 1940 અને તેના નિયમો અન્વયે જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયા અને સિનિયર અધિકારીઓના વરદ હસ્તે ઓપ્થેલમીક એસોસિયેશનના અંદાજિત 30 જેટલા મેમ્બર્સને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (એમડી-42) સ્થળ ઉપર જ આપવામાં આવ્યા હતા.
