GIDC મકરપુરા ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો
Live TV
-
મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ વડોદરા જિલ્લામાં વીસ હજાર તાલીમાર્થીઓની ભરતી કરાશે : કલેકટર કિરણ ઝવેરી
રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનનો આશય શાળા છોડી ગયેલા ઉમેદવારો ITI, ડીપ્લોમા, ડીગ્રી પાસ ઉમેદવારોના ખાનગી કે જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક સેવાકીય એકમો ખાતે બેઝિક તેમજ ઓન જોબ ટ્રેનીંગ સુવિધાનો મહત્તમ લાભ આપીને તેમને કૌશલ્ય કુશળ બનાવવા સાથે પ્રાયોગિક તાલીમ આપી ઉદ્યોગ સેવાકીય એકમો માટે કુશળ માનવબળ ઊભું કરવાનો છે.
મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ મકરપુરા GIDC તેમજ નંદેસરી ખાતે યોજાયેલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળાને ખુલ્લો મુકતા કાર્યકારી કલેકટર કિરણ ઝવેરીએ જણાવ્યું કે, આ યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં એક લાખ તાલીમાર્થીઓને કુશળ તાલીમ આપવામાં આવનાર છે. વડોદરા જિલ્લામાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ ૨૦ હજાર તાલીમાર્થીઓને વિવિધ ઔદ્યોગિક ગૃહો, સેવાકીય સંસ્થાઓમાં ઓન જોબ ટ્રેનીંગ આપી ઉદ્યોગ તેમજ સેવાકીય ક્ષેત્રોમાં જરૂરી કુશળ માનવબળ પુરૂ પાડવામાં આવશે. મકરપુરા ખાતે યોજાયેલ ભરતી મેળામાં ૮૦૦ જેટલા ઉમેદવારો હાજર રહ્યા. જે પૈકી વિવિધ એકમો દ્વારા ૨૦૦ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.
આ યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં તા.૧૫મી એપ્રિલ સુધી એપ્રેન્ટીસ ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. એવી જાણકારી આપતા કલેકટરે જણાવ્યું કે, એપ્રેન્ટીસશીપ માટેની તાલીમ વિનામૂલ્યે આપવા સાથે નિયમોનુસાર સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. કોઇપણ ઉમેદવાર એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઇચ્છતા હોય તેઓએ નજીકની ITI અથવા જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવા તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વિભાગીય મેનેજર વાય.ટી.પાવાગઢી, મકરપુરા GIDC ના ઉપપ્રમુખ જીવણભાઇ, વીસીસીઆઇના મંત્રી હિમાશુંભાઇ પટેલે રાજ્ય સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાને આવકારતાં જણાવ્યું હતું કે આ યોજનાથી ઉદ્યોગ ગૃહો, સેવા ક્ષેત્રોને જરૂરી કુશળ માનવસંપદા મળવા સાથે રોજગારીની તકોનું પણ સર્જન થશે.
પ્રારંભમાં આઇ.ટી.આઇ. તરસાલીના આચાર્ય પરમારે યોજનાનો હેતુ સમજાવ્યો હતો. આ અવસરે વાઘોડિયા, પોર, ડભોઇ GIDC એસોસિએશનના હોદ્દેદારો, ઉદ્યોગ, સેવાક્ષેત્રના પ્રતિનિધિઓ સહિત ઉમેદવારો હાજર રહ્યા હતા.