MSMEsને વૈશ્વિક સ્તરે પહોંચાડવાના હેતુ સાથે 'ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ-ZED' સર્ટીફિકેશન માટે વ્યાપક અભિયાન
Live TV
-
કેન્દ્ર સરકાર દ્વારા દેશના MSMEsને વૈશ્વિક સ્તરે સક્ષમ બનાવવાના હેતુ સાથે 'ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ-ZED' સર્ટીફિકેશન યોજના એપ્રિલ-2022માં જાહેર કરવામાં આવી છે. MSME એકમોને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ (ZED) પહેલનું વ્યાપક અભિયાન સરકારે હાથ ધર્યુ છે. "ઝીરો ડિફેક્ટ" સાથે માલસામાનનું ઉત્પાદન તેમજ પર્યાવરણ પર તેની નકારાત્મક અસર ન થાય તે રીતે 'ઝીરો ઇફેક્ટ'થી માલસામાનનું ઉત્પાદન કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના ઉદ્દેશ્યને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા તેને પ્રોત્સાહિત કરવા વિશેષ સહાય આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે ઉદ્યમ પોર્ટલ ઉપર સાડા 13 લાખથી વધુ MSME નોંધાયેલા છે. આ MSMEsને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. આત્મનિર્ભર ગુજરાત સ્કિમ ફોર આસિસ્ટન્સ ટુ MSME-2022 હેઠળ MSME એકમો કાર્યક્ષમ બનીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરે તે માટે ZED સર્ટીફિકેશન મેળવવા થયેલા ખર્ચના 50 ટકા લેખે મહત્તમ રૂ.50,000 સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. ઉદ્યમ પોર્ટલમાં નોંધાયેલા તમામ MSME એકમો ZED પ્રમાણપત્ર અને સંબંધિત લાભો/પ્રોત્સાહન મેળવવા માટે પાત્રતા ધરાવશે. MSME એકમે ZED સર્ટીફિકેટ મેળવવા ભારત સરકારના પોર્ટલ www.zed.msme.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન બાદ એકમો બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ તેમ 3 કેટેગરીના ZED સર્ટીફિકેટ મેળવી શકશે. MSME કમિશનરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ZED રજીસ્ટ્રેશન અને સર્ટીફિકેશન માટે એમ્પેનલ એજન્સીઓ દ્વારા કરવામાં આવતા હેન્ડહોલ્ડીંગ સપોર્ટ માટે MSME એકમોએ કોઇ પણ પ્રકારનો ચાર્જ કે ફી ચુકવવાની રહેશે નહીં.