NFSUએ પ્રતિષ્ઠિત "DSCI-2024 એક્સેલન્સ એવોર્ડ" મેળવ્યો
Live TV
-
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરને પ્રતિષ્ઠિત "DSCI-2024 એક્સેલન્સ એવોર્ડ" પ્રાપ્ત થયો છે. આ પુરસ્કાર “સાયબર ક્રાઈમ્સ, સાયબર લૉ અને ડિજિટલ ફોરેન્સિક્સ બાય એકેડેમિયા” કેટેગરી અંતર્ગત ક્ષમતા નિર્માણમાં શ્રેષ્ઠતા માટે NFSUને એનાયત કરવામાં આવ્યો છે.
ડેટા સિક્યોરિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (DSCI)એ કોર્પોરેટ અને LEAs માટે 2011માં શ્રેષ્ઠતા પુરસ્કારોની સ્થાપના કરી હતી. LEA પુરસ્કારોની શ્રેણીઓમાં “ઇન્ડિયા સાયબર કોપ એવોર્ડ”, “એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન કેપેસિટી બિલ્ડીંગ ઓફ પોલીસ એજન્સીઝ” અને “સાયબર ક્રાઈમ્સ, સાયબર લૉ અને ડિજિટલ ફોરેન્સિક્સ બાય એકેડેમિયા”-નો સમાવેશ થાય છે. ડીએસસીઆઇએ “એવોર્ડ ફોર પાયોનરિંગ ડિજિટલ ફોરેન્સિક્સ કેપેબિલિટીઝ બાય ગવર્ન્મેન્ટ ઇન્સ્ટિટ્યૂશન્સ ” નામની નવી કેટેગરી પણ શરૂ કરી છે.
NFSUએ આ નવી કેટેગરીમાં પ્રથમવાર ભાગ લીધો અને ફાઇનલિસ્ટમાં સ્થાન મેળવીને એવોર્ડ જીત્યો.
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) એ વિશ્વની એકમાત્ર યુનિવર્સિટી છે, જેને BNSS 329 અને IT એક્ટ 2000ની કલમ 79A હેઠળ કેસોની તપાસ કરવા અને અદાલતમાં રિપોર્ટ રજૂ કરવા માટે વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે. NFSUએ સાયબર-ક્રાઈમ, સાયબર-લૉ અને ડિજિટલ ફોરેન્સિક્સના ક્ષેત્રમાં અદ્યતન ક્ષમતાઓનું નિર્માણ કર્યું છે અને રાષ્ટ્રની ફોરેન્સિક ક્ષમતા નિર્માણમાં અસરકારક રીતે યોગદાન આપ્યું છે.
NFSUના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે, NFSUની સાયબર-ક્રાઈમ તપાસના ક્ષેત્રે વિશ્વકક્ષાની ક્ષમતાઓમાં શ્રેષ્ઠતા માટે આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે, જે યુનિવર્સિટી માટે ગૌરવપૂર્ણ બાબત છે.
