PMની ગુજરાત મુલાકાત પહેલાં CM ભૂપેન્દ્ર પટેલે વિવિધ પ્રોજેક્ટની અંતિમ તબક્કાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન પ્રધાનમંત્રી બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત - લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અંબાજી ખાતે મંદિરમાં દર્શન કરી, કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમની તૈયારીઓ અંગે વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે ગાંધીનગર રેલવે સ્ટેશનથી ગાંધીનગર મુંબઈ વચ્ચેની નવી ટ્રેન સેવા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશન પર આ પ્રસંગે યોજાનારા સમારોહની થઈ રહેલી પૂર્વ તૈયારીનું નિરીક્ષણ ગાંધીનગર રેલવે સ્ટેશને જઈને કર્યું હતું. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ,સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ તેમજ પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પણ મુખ્યમંત્રીસાથે જોડાયા હતા.
અમદાવાદના નાગરિકો જેની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા તે મેટ્રો રેલવે હવે વાસ્તવિકતા બનવા જઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત, થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રોની કામગીરીના આખરી ઓપ અને પ્રધાનમંત્રી દ્વારા થનારા મેટ્રો રેલ પ્રારંભની અંતિમ તબક્કાની તૈયારીઓનું આજે સવારે નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એસ. એસ.રાઠોર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી તેમજ અમદાવાદ મહાનગરપાલિકા, મેટ્રો રેલ,શહેરી વિકાસ વિભાગ અને પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ મુખ્યમંત્રીના આ મુલાકાતમાં જોડાયા હતા.
