અમદાવાદમાં કેન્સર જાગૃતિ સેમિનાર: દર્દીઓને ઘરે જ સસ્તી સારવાર મળશે
Live TV
-
ભારતની બે મુખ્ય કેન્સર સંસ્થાઓ, હેમેટો ઇન્કોલોજી ક્લિનિક વેદાંતા અને એમઓસી કેન્સર સેન્ટર દ્વારા આજે અમદાવાદમાં કેન્સરના દર્દીઓ માટે એક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ દર્દીઓ સુધી વિશ્વસ્તરની કેન્સર સારવાર અને સંશોધનની સુવિધાઓ કેવી રીતે પહોંચાડવી તે અંગે ચર્ચા કરવાનો હતો.
સેમિનારમાં ભારતના અગ્રણી કેન્સર નિષ્ણાતોએ ભાગ લીધો હતો અને તેમણે દર્દીઓને ઓછા ખર્ચે ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર કેવી રીતે મળી શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને, મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર, અને યુવાનોમાં વધતા ધુમ્રપાનના કારણે થતી સમસ્યાઓ અંગે જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
સેમિનારમાં ડોક્ટર ભાવિન શાહે મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો મહિલાઓ પોતાના માસિક ધર્મકાળ દરમિયાન કોઈ અસામાન્ય દુખાવો અનુભવે તો તેમણે તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ. ડોક્ટર શાહે ઉમેર્યું હતું કે જો સમયસર નિદાન અને સારવાર કરવામાં આવે તો સર્વાઇકલ કેન્સરને સંપૂર્ણપણે રોકી શકાય છે.
સેમિનારમાં ભાગ લેનારા દર્દીઓ અને તેમના પરિવારોએ આયોજકો દ્વારા આપવામાં આવેલી માહિતી અને સલાહને ખૂબ જ ઉપયોગી ગણાવી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આવા સેમિનારો દ્વારા દેશભરમાં કેન્સર અંગે જાગૃતિ વધારવામાં મદદ મળશે અને વધુને વધુ દર્દીઓને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી શકશે.