કેન્દ્રની આરોગ્ય ટીમે CM રૂપાણી સાથે કરી રાજ્યની સ્થિતિની સમીક્ષા
Live TV
-
આ ટીમે ગઈકાલે ગોતાના વસંતનગર ટાઉનશીપ કન્ટેઈન્મેન્ટ ઝોન વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ટીમે ઘાટલોડિયામાં કન્ટેઈન્મેન્ટ વિસ્તારની અને કઠવાડા ખાતે આવેલ 108 સેન્ટરની મુલાકાત લઈ ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ માહિતી મેળવી હતી.
ગુજરાત સહિત દેશમાં વધતા કોરોના સંક્રમણના કેસની સંખ્યાના પગલે અને સંક્રમણના નિયંત્રણ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ની એક ટીમ, ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણાની 4 દિવસની મુલાકાતે છે. આરોગ્યમંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના નેતૃત્વ હેઠળની આ ટીમ રાજ્ય સરકારોએ કોવિડ-19 ને લઈને કરેલી વ્યવસ્થા અને પ્રયાસોને સુદ્રઢ કરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી, નીતીન પટેલે લવકુમાર અગ્રવાલ સાથે ગાંધીનગરમાં બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ સી.એમ. ડેશ બોર્ડના માધ્યમથી અમદાવાદની સીવીલ હોસ્પિટલના કોરોના વોર્ડનું નિરીક્ષણ કરાવીને ત્યાં સારવાર લઇ રહેલા સંક્રમિત દર્દીઓની ઝીણવટ ભરી જાણકારી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય સંયુક્ત સચિવે આ અભિનવ પહેલથી સંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓ કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવારની મુખ્યમંત્રી કક્ષાએથી સીધા જ મોનિટરીંગની આ વ્યવસ્થાથી પ્રભાવીત થયા હતા.