કોરોના કેસોની સંખ્યામાં તીવ્ર વધારો, કેબિનેટ સચિવ કરશે 7 રાજ્યો સાથે સમીક્ષા
Live TV
-
મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને છત્તીસગઢમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં વધારો નોંધાયો. કેસોની સંખ્યામાં તીવ્ર વધારો નોંધાયો હોય તેવા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં બહુ-શાખીય ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમો પહોંચી કેબિનેટ સચિવે 7 રાજ્યો સાથે સમીક્ષા નિર્ધારિત કરી. ભારતમાં કોવિડ-19 વિરોધી રસી લેનારા લાભાર્થીઓની કુલ સંખ્યા 1.26 કરોડથી વધારે થઇ. ભારતમાં સક્રિય કેસોનું ભારણ આજે 1,51,708 થઇ ગયું છે જે દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી 1.37% છે. કેટલાક રાજ્યોમાં તાજેતરમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોની સંખ્યામાં આવેલા ઉછાળાના કારણે આમ થયું છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને છત્તીસગઢમાં દૈનિક ધોરણે નવા સંક્રમિતોની સંખ્યામાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 16,738 કેસ પોઝિટીવ નોંધાયા છે. નવા નોંધાયેલામાંથી 89.57% કેસ 7 રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સતત દૈનિક ધોરણે સર્વાધિક નવા કેસ નોંધાઇ રહ્યાં છે જ્યાં વધુ 8,807 દર્દી પોઝિટીવ નોંધાયા છે. તે પછીના ક્રમે કેરળમાં વધુ 4,106 જ્યારે પંજાબમાં વધુ 558 નવા કેસ નોંધાયા છે. કેન્દ્ર દ્વારા કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત તેમજ જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ)માં કેસોની સંખ્યામાં થયેલી વૃદ્ધિના કારણો જાણવા માટે તેમજ કોવિડ-19ના નિયંત્રણ અને કન્ટેઇન્મેન્ટના પગલાંઓમાં રાજ્ય આરોગ્ય વિભાગો સાથે સંકલન કરવા માટે ઉચ્ચ સ્તરીય બહુ-શાખીય ટીમો નિયુક્ત કરવામાં આવી છે. કેન્દ્ર દ્વારા રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને સંક્રમણની સાંકળ તોડવા માટે સઘન પગલાં લેવા પર ધ્યાન આપવાની પણ તાકીદ કરવામાં આવી છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને અસરગ્રસ્ત જિલ્લાઓમાં RT-PCR અને રેપિડ એન્ટિજેન પરીક્ષણો વચ્ચે યોગ્ય વિભાજન સાથે કેન્દ્રિત રીતે પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવાની તેમજ લક્ષણો ધરાવતા હોય તેવા દર્દીઓને જો એન્ટિજેન પરીક્ષણ નેગેટિવ આવે તો RT-PCR દ્વારા ફરજિયાતપણે પરીક્ષણ કરાવવાની પણ સલાહ આપવામાં આવી છે. પોઝિટીવ આવ્યા હોય તેવા લોકોને અવશ્યપણે તાત્કાલિક ધોરણે આઇસોલેશન હોસ્પિટલમાં મોકલવા તેમજ તેમના નજીકનાં સંપર્કમાં આવેલા તમામ લોકોને ટ્રેસ કરીને સહેજ પણ વિલંબ કર્યા વગર તેમનું પરીક્ષણ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. તેમને સંબંધિત જિલ્લા અધિકારીઓ સાથે નિયમિત ધોરણે ઉભરતી પરિસ્થિતિની કટોકટીપૂર્ણ સમીક્ષા કરવાની સલાહ આપવામાં આવી છે જેથી અત્યાર સુધીમાં કોવિડ-19ના વ્યવસ્થાપનમાં મળેલી સફળતા નિષ્ફળ ના જાય. બીજી તરફ, દેશમાં કુલ પોઝિટીવિટી દરમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. 25 ફેબ્રુઆરી 2021ના રોજ કુલ પોઝિટીવિટી દર 5.17% નોંધાયો છે.