દર્દીઓને રાખડી બાંધી ‘સિસ્ટર્સ’ સાચા અર્થમાં બન્યા ‘સિસ્ટર્સ’
Live TV
-
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભાઈ-બહેનના હેતના પર્વ રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે ભાઈ-બહેનના હેતના પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. હોસ્પિટલમાં ફરજબધ્ધ તમામ નર્સિંગ સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને રાખડી બાંધીને તેમના તંદુરસ્ત સ્વાસ્થ્ય અને દીર્ધાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં સારવાર લઈ રહેલા ૬૮૭ દર્દીઓ અને સ્ટાફ સહિત કુલ ૧૨૦૦ લોકોને કુમકુમ તિલક કરી, રાખડી બાંધીને પેંડા ખવડાવી મોં મીઠ્ઠું કરાવવામાં આવ્યુ હતું.
આ દુનિયામાં જેમનું કોઈ નથી તેવા દર્દીઓને નર્સિંગ સ્ટાફ દ્વારા રાખડી બાંધતાં વોર્ડમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં. સિવિલ હોસ્પિટલના સંવેદનશીલ તંત્ર અને સ્ટાફ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરતાં સમગ્ર વોર્ડમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.
મહિલા દર્દીઓએ પણ તબીબો અને નર્સિંગ સ્ટાફને પણ રાખડી બાંધીને તેમની સેવા-સુશ્રૃષા કરવા માટે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરી દર્ઘાયુ માટે આશીર્વાદ આપ્યા હતા.
રક્ષાબંધન ઉજવણીના કાર્યક્રમનું આયોજન સિવિલ હોસ્પિટલના ખાસ ફરજ પરના અધિકારી ડૉ. એમ.એમ.પ્રભાકર, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે.પી.મોદી, નર્સિંગ અધિક્ષકશ્રી બાબુભાઈ પ્રજાપતિ, અન્ય તબીબો, પેરામેડિકલ અને નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતુ જેના કારણે દર્દીઓના ચહેરા પર અપાર ખુશીઓ જોવા મળી હતી.