નડિયાદ: સંતરામ નેત્ર ચિકિત્સાલય ખાતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પમાં 1800 દર્દીઓનું નિદાન
Live TV
-
તાજેતરમાં નડિયાદ ખાતે આવેલા સંતરામ ચિકિત્સાલય ખાતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સંતરામ સમાધિ સ્થાન તથા નડિયાદની ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટી સંચાલિત ડૉ.એન.ડી.દેસાઇ કોલેજ અને હોસ્પિટલના સહયોગથી આ કેંપનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત તબીબો દ્વારા સેવાઓ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી. જેમાં મુખ્યત્વે જનરલ સર્જન, હાડકા,ગાયનેક, ચામડી અને ફિઝિશિયન જેવા તબીબોએ દર્દીઓની તપાસ કરી ઉપચાર અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે દર્દીઓને નિદાન બાદ નિઃશુલ્ક દવાઓ પણ અપાઇ હતી.
ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને તદ્દન મફત ઓપરેશન થાય તે માટે તારીખ આપવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સંતરામ મંદિર નડિયાદના સંત પૂજ્ય હરિદાસજી મહારાજ, ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટી ના કેમ્પસ ડાયરેકટર અંકુરભાઈ દેસાઈ, સંચાલક રમણભાઇ તેમજ સંતરામ મંદિરના કાર્યકર્તાઓ અને એનડી દેસાઈ હોસ્પિટલના તબીબો તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રકારના સર્વ રોગ નિદાન કેમ્પના આયોજન અને સુવિધાથી ગરીબ અને નિઃસહાય લોકોને મફત ઉપચાર અને દવાઓ આપવામાં આવી જે આજના કોવિડ મહામારીના સમયમાં ખૂબ જ મદદરૂપ બનશે.