પાટણઃ સંચારી રોગ અટકાયત માટે જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
Live TV
-
ચોમાસાની ઋતુ દરમ્યાન શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય તથા વાહકજન્ય રોગો અટકાવવા આવશ્યક પગલા લેવા સુચના આપતાં જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી
જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાનેસંચારી રોગ અટકાયતી માટે જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ફૂડ સેમ્પલીંગ, ક્લોરીનેશન ટેસ્ટ તથા પાણીની પાઈપલાઈનના લીકેજ દૂર કરવા સહિતની કામગીરીની વિગતો મેળવી જિલ્લા કલેક્ટરએ સંલગ્ન વિભાગના અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.
ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ચુકી છે ત્યારે પાણીજન્ય અને વાહકજન્ય રોગો ફેલાતા અટકાવી શકાય તે માટે પૂર્વ તૈયારીરૂપેસંચારી રોગ અટકાયતી માટે જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય વિભાગ દ્વારા આવા રોગોને ફેલાતા અટકાવવા ગત વર્ષે કરવામાં આવેલી કામગીરી ઉપરાંત ચાલુ વર્ષે કરવાની થતી કામગીરીનું આયોજન રજૂ કર્યું હતું.
વરસાદી ઋતુમાં મોટાભાગે પાણીજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ રહેલી હોય છે ત્યારે નગરપાલિકા વિસ્તારોમાં પીવાના પાણીના ક્લોરીનેશન તથા કમળો, ઝાડા-ઉલટી, ટાઈફોઈડ અને કોલેરા જેવા પાણીથી થતા રોગો જે વિસ્તારોમાં વધુ છે તેવા નગરપાલિકા વિસ્તારોમાં પાણીનું સુપર ક્લોરીનેશન કરવા જિલ્લા કલેક્ટરે સુચના આપી હતી. પીવાના પાણીના ક્લોરીનેશન ટેસ્ટ માટે તેના સ્ત્રોત તથા વપરાશના સ્થળો એમ બંને જગ્યાએથી નમૂના લઈ તેની ચકાસણી કરવા જણાવ્યું હતું. સાથે જ પાણીના બાયોલોજીકલ પૃથ્થકરણ માટે મહત્તમ માત્રામાં નમૂનાઓ લેવા પણ અનુરોધ કર્યો હતો.
પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણના કારણે પાણીને દુષિત થતું અટકાવવા જિલ્લા કલેક્ટરે આવા લીકેજને રીપેર કરવા પ્રાથમિકતા આપવા નગરપાલિકાઓને તાકીદ કરી હતી. આ સાથે નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં એન્ટીલાર્વલ અને ફોગીંગની કામગીરી વધુ સઘન બને તે માટે અનુરોધ કર્યો હતો. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરે પેક્ડ અને છૂટક વેચાણ કરવામાં આવતા ખાદ્ય પદાર્થોના સેમ્પલીંગની વિગતોથી અવગત કરાવવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી ભાનુમતીબેન મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.એ.આર્ય, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ. અરવિંદ પરમાર, આર.સી.એચ.ઓ. ડૉ.અલ્પેશ સાલ્વીતથાનગરપાલિકા, પાણી પુરવઠા વિભાગઅને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.