પાટણ : ટેલીમેડિસીન થકી ગામડાના દર્દીઓ તજજ્ઞ તબીબો પાસેથી મેળવી રહ્યા છે નિઃશુલ્ક સારવાર
Live TV
-
ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી ગાંધીનગર રહેલા સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર્સ પાસેથી ઈ-સંજીવની પોર્ટલ થકી જરૂરી કિસ્સાઓમાં કરાવી રહ્યા છે નિદાન અને સારવાર
માહિતી વિભાગ, પાટણ : હાલ તમે પાટણ જિલ્લાના કોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ગયા હોવ અને ત્યાં જુઓ કે ડૉક્ટર સાહેબ તો પોતાના લૅપટૉપ કર કોઈની સાથે વિડીયો કૉલ પર વાત કરી રહ્યા છે ત્યારે તમને સહજ વિચાર આવે કે અરે બાજુમાં દર્દી બેઠા છે તો ય આ ડૉક્ટર સાહેબ તેમની ધુનમાં જ છે, તેમને દર્દીની કંઈ પડી જ નથી કે શું...?
ક્ષણ માત્ર માટે પણ જો તમને આવો કોઈ વિચાર આવે તો તમે ખોટા છો. હકીકતમાં દર્દીની મુશ્કેલીના નિવારણ માટે જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એ મેડિકલ ઑફિસર ગાંધીનગર બેઠેલા સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર સાથે વાત કરી રહ્યા છે.
હાલ સમગ્ર દેશમાં પ્રવર્તી રહેલી લોકડાઉનની પરિસ્થિતિના અને તેના ચુસ્ત અમલીકરણ માટે રાજ્યભરમાં ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ સ્થગિત કરી દેવામાં આવી છે ત્યારે પાટણ જિલ્લાના છેવાડાના તાલુકાઓના અંતરીયાળ ગામના લોકો સહિતના જિલ્લાના નાગરીકોને વિશેષ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર જ ટેલીમેડિસીન થકી બાળરોગ, સ્ત્રીરોગ અને ચામડીના રોગોની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.આ અંગે વાત કરતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખે જણાવ્યું કે, લોકડાઉનના સમયમાં ગ્રામ્યકક્ષાએ ખાસ તબીબી સેવાઓ પૂરી પાડવાના આશયથી જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ટેલીમેડિસીનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. જે સારવાર લેવા ગામડાના લોકો શહેરો સુધી મુસાફરી કરીને આવતા હતા તેમના નાણાં અને સમયના બચાવ સાથે લોકડાઉનના સમયમાં ત્વરિત આરોગ્ય સેવા માટે ટેલીમેડિસીન વ્યવસ્થા ઉપયોગી સાબિત થઈ રહી છે.
શું છે ટેલીમેડિસીન...?
અદ્યતન ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટૅક્નોલોજીની મદદથી બે અલગ અલગ સ્થળોએ રહેલા ડૉક્ટર અને દર્દી વચ્ચેનો એવો સેતુ કે જે વિશેષ પ્રકારની શારીરિક સમસ્યાના નિદાન અને તબીબી સારવારની સલાહ માટે એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. પશ્વિમના દેશોમાં વધુ પ્રચલિત આ પ્રકારની મેડિકલ સેવાઓ આપણા દેશ અને રાજ્યમાં પણ શરૂ કરવામાં આવી છે. ટેલીમેડિસીન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓ જેની તપાસ અને સારવાર માટે સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર્સના મંતવ્ય લેવા જરૂરી છે તેવા દર્દીઓનું મેડિકલ ઑફિસર્સ દ્વારા ઈ-સંજીવની પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. ત્યારબાદ મેડિકલ ઑફિસર દ્વારા દર્દીની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવે છે અને જરૂરી રિપોર્ટ એકત્ર કરી તેની તમામ વિગતો પોર્ટલ પર દર્દીના રજીસ્ટર્ડ કેસમાં નોંધવામાં આવે છે. અગાઉની કોઈ મેડિકલ હિસ્ટ્રી, બ્લડ કે યુરીન રિપોર્ટ્સ વગેરે જેવા મેડિકલ રેકોર્ડ્સ પણ સામેલ કરવામાં આવે છે.
પાટણ તાલુકાના મણુંદ ખાતે રહેતા દમયંતીબેન સોલંકી જણાવે છે કે, સ્કીનની તકલીફ હોવાથી મારે ચામડીના ડૉક્ટરને બતાવવું હતું. હાલ તો લોકડાઉનના કારણે પાટણ ન જઈ શકવાથી હું મણુંદના સરકારી દવાખાનામાં ગઈ હતી. જ્યાં ડૉક્ટર સાહેબે ચેકઅપ કરી વિડિયો કૉલ દ્વારા ચામડીના ડૉક્ટર સાથે વાત કરી મને દવાઓ આપી. ગામના જ દવાખાના પરથી ચામડીના રોગોના સ્પેશ્યાલિસ્ટ દ્વારા સચોટ નિદાન અને સારવાર મળી. મેડિકલ ઑફિસર દ્વારા પોર્ટલ પર રહેલા કૉલ ઓપ્શન દ્વારા સબંધિત તજજ્ઞ તબીબને ફોન લગાવવામાં આવે છે. લૅપટૉપ કે કમ્પ્યુટરના માધ્યમથી થતા ઑડિયો-વિડિયો કૉલથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસરને મેડિકલ ઍડવાઈઝ તથા જરૂર જણાંતાં દર્દી સાથે વાતચીત કરી જરૂરી આરોગ્ય શિક્ષણ આપી રહ્યા છે. જે તે રજીસ્ટર્ડ દર્દીની સારવાર માટે તજજ્ઞ તબીબ દ્વારા પોર્ટલ થકી મોકલી આપવામાં આવેલા પ્રિસ્ક્રિપ્શન મુજબ મેડિકલ ઑફિસર દ્વારા સારવાર
આપવામાં આવે છે.શું છે ટેલીમેડિસીન વ્યવસ્થાનું માળખું....?
ટેલીમેડિસીન વ્યવસ્થામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસર Spoke તરીકે કામ કરે છે જ્યારે પાટણ જિલ્લા માટે ગાંધીનગર ખાતે સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર્સ Hub તરીકે કામ કરે છે. જ્યાં પિડીયાટ્રિક્સ,ગાયનેકોલોજીસ્ટ, ડર્મેટોલોજીસ્ટ, ફિઝીશિયન અને જનરલ સર્જન તબીબોની ટીમ સવારે ૧૦ કલાકથી સાંજના ૦૫ કલાક સુધી કન્સલ્ટેશન સર્વિસ પૂરી પાડે છે. પાટણ જિલ્લાના સમાવિષ્ટ તમામ ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ટેલીમેડિસીન વ્યવસ્થા માટે સુસજ્જ કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાંથી ટેલીમેડિસીન માટે કુલ ૨૪૭ કૉલ કરવામાં આવ્યા છે. જેમાં મણુંદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસરશ્રી ડૉ.હાર્દીક પટેલ દ્વારા જિલ્લામાં સૌથી વધુ ૯૪ જેટલા કૉલ કરી જરૂરી તબીબી સલાહ મેળવવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા ઈ-સંજીવનીના મહત્તમ ઉપયોગ દ્વારા દર્દીઓને સમયસર જરૂરી સારવાર આપવા બદલ ડૉ.હાર્દીક પટેલની સેવાને બિરદાવવામાં
આવી છે. મણુંદના મૅડિકલ ઑફિસરશ્રી ડૉ.હાર્દીક પટેલ જણાવે છે કે, જેમાં સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર્સની મેડિકલ એડવાઈઝની જરૂર હોય તેવા કેસમાં હું દર્દીના ચેકઅપ બાદ ઈ-સંજીવની પોર્ટલ પરથી Hub પર રહેલા તજજ્ઞોની સલાહ લઈ તેમણે આપેલા પ્રિસ્ક્રિપ્શન અને સુચનો મુજબ દર્દીની સારવાર કરૂં છું.કઈ રીતે લાભદાયક...?
મોટાભાગે સામાન્ય રોગોનું નિદાન અને સારવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે થઈ જતી હોય છે. પરંતુ ઘણી વાર કોઈ કોમ્પ્લિકેટેડ કેસ આવે જેમાં અસામાન્ય લક્ષણો કે કોઈ ખાસ પ્રકારની સારવાર જણાતી હોય છે. આવા સમયે અંતરીયાળ ગામોમાં રહેતા લોકોને સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી જ ટેલીમેડિસીન થકી સમયસર નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ થતાં સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર્સની કન્સલ્ટીંગ ફી, મુસાફરી ખર્ચના નાણાં અને સમય બંનેનો વ્યય થતો અટકે છે. હાલ કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા લોકડાઉન અમલમાં છે ત્યારે ટેલીમેડિસીન વ્યવસ્થા આશિર્વાદરૂપ પુરવાર થઈ રહી છે. ઝડપથી બદલાઈ રહેલા આ ટેક્નોલોજીના યુગમાં તબીબી ક્ષેત્રે ટેલીમેડિસીન મહત્વનું સોપાન સાબિત થઈ રહ્યું છે ત્યારે પાટણ જિલ્લામાં તેના મહત્તમ ઉપયોગ થકી આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના નાગરીકોને વિશેષ આરોગ્યલક્ષી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. કોરોના મહામારીના કારણે હાલ અમલી લોકડાઉનના સમયગાળા બાદ પણ ટેલીમેડિસીન સેવા જિલ્લાના નાગરીકો માટે આશિર્વાદરૂપ સાબિત થશે