પાલનપુર મુસ્લિમ ડૉક્ટર્સ એસો. વિનામૂલ્યે ચલાવે છે કોવિડ હેલ્થ સેન્ટર
Live TV
-
કોરોના મહામારીના લીધે એક તરફ ખાનગી હોસ્પિટલોના બિલ લાખોમાં આવી રહ્યા છે, તો બીજી તરફ આ વિકટ સમયે કેટલાક લોકો સાચા અર્થમાં સેવાની સુગંધને મહેકાવી રહ્યા છે. રાજસ્થાનના ઉદયપુરથી આવેલ અબ્દુલ કયયુમભાઈ અને ખેરૂંનનીશાબેન દંપતીનો કોરોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
તેમણે પોઝિટીવ આવ્યા બાદ ઉદયપુર ખાનગી હોસ્પિટલમાં 15 દિવસ સારવાર કરાવી, જેમાં જેમાં 3 લાખ રૂપિયાનું બિલ બની ગયુ હતું. જો કે તબિયતમાં કોઈ સુધારો ન થતાં આખરે તેઓ પાલનપુર શહેરમાં મજલિસ એ દાવત-ઉલ-હક્ક અને પાલનપુર મુસ્લિમ ડોકટર્સ દ્વારા વિનામૂલ્યે ચાલતા કોવિડ હેલ્થ સેન્ટરમાં દાખલ થયા હતા.
આ હેલ્થ સેન્ટરમાં તેઓને દવા, લેબોરેટરી ટેસ્ટ, ઈલાજ, જમવા સહિત તમામ સુવિધાઓ વિના મૂલ્યે મળી હતી. તબીબો અને નર્સિંગ સ્ટાફની યોગ્ય માવજતના લીધે આ બન્ને દંપતિ એક અઠવાડિયામાં જ રિકવર થઈ ગયું હતુ. જેથી તેઓએ સંસ્થાનો આભાર માન્યો છે.
પાલનપુર શહેરમાં છેલ્લાં ચાર મહિનાઓથી મજલીસ-એ-દાવત-ઉલ-હકક અને મુસ્લિમ ડોકટર્સ એસોશિયેશન દ્વારા વિનામૂલ્યે કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરાયું છે. અહીં અમીર હોય કે ગરીબ, હિન્દૂ હોય કે મુસ્લિમ, ગુજરાત રાજ્યના હોય કે કોઈ અન્ય રાજ્યના હોય, તમામ ધર્મ-વર્ગ અને પ્રાંતના લોકોની વિનામૂલ્યે કોરોનાની સારવાર કરવામાં આવી રહી છે.