રાજ્યમાં કોરોનાથી સંક્રમિત ૮૯૬ પોઝિટિવ દર્દીઓ કોરોનાને હરાવી સાજા થઇને ઘરે પરત ફર્યા : અગ્ર સચિવ ડો. જયંતિ રવિ
Live TV
-
રાજ્યમાં શનિવારે કૉવિડ-૧૯ના નવા ૩૩૩ પોઝિટિવ કેસ નોંધાયા : અત્યાર સુધીમાં થયેલ ૭૪,૧૧૬ ટેસ્ટમાંથી ૫૦૫૪ કેસ પોઝિટિવ
રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓને સમયસર અને સઘન સારવાર મળતાં કોરોના વાયરસને હરાવીને અત્યાર સુધીમાં ૮૯૬ દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી રજા લઇ પોતાના ઘરે પરત ફરી ચુક્યા છે. કૉવિડ-૧૯ સંક્રમિત દર્દીઓના સાજા થઈને હોસ્પિટલમાંથી રજા લેવાની સંખ્યાનો ગ્રાફ ખૂબ જ હકારાત્મક રીતે વધી રહ્યો છે. તે જોતાં નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી, પરંતુ કોરોના સંક્રમણને રોકવા તકેદારી રાખવી એટલી જ જરૂરી છે તેમ આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિએ જણાવ્યું છે. ડો. રવિએ ઉમેર્યું કે, આજથી પંદર દિવસ પહેલાં ગત તારીખ ૧૭ એપ્રિલે કોરોનાનાં ૧૦૯૯ નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આજે પંદર દિવસ બાદ સાજા થઈને હોસ્પિટલમાંથી રજા લેતા દર્દીઓની સંખ્યા ૮૯૬ એ પહોંચી છે. એટલે કે ૮૦ ટકા દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
ડો. રવિએ ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા ફિલ્ડ લેવલ ઉપર સુચારું મેનેજમેન્ટ થઈ શકે તે હેતુસર રેડ, ઓરેન્જ અને ગ્રીન એમ ત્રણ ઝોન (કેટેગરી) માં વિવિધ વિસ્તારોને વર્ગીકૃત કરવા માર્ગદર્શીકા જાહેર કરી છે. તે અંતર્ગત કૉવિડ-૧૯ના પોઝિટિવ કેસની સંખ્યા, કેસના ડબલીંગ રેટ, ટેસ્ટની સંખ્યા અને સર્વેલન્સ ફીડબેક સહિતના માપદંડોને આધારે રાજ્યના વિવિધ જીલ્લા-તાલુકાઓને ઉક્ત મુજબના ત્રણ ઝોનમાં વિભાજિત કરાયા છે. પ્રાથમિક તબક્કે રેડ ઝોનમાં અમદાવાદ, સુરત, વડોદરા સીટી અને ગ્રામ્ય, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ભાવનગર અને પંચમહાલ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જો કે તેમાં ફેરફાર થવાની શક્યતાઓ પણ છે.
ભારત સરકારની આ અંગેની માર્ગદર્શિકામાં દર્શાવેલા નિયમો મુજબ જિલ્લા-તાલુકામાં કોરોના સંક્રમણના આંકડા અંગે સમીક્ષા કરવા કલેકટરશ્રીઓ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ સાથે આજે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં એક પણ પોઝિટિવ કેસ ન હોય તેવા ગ્રીન ઝોનમાં મુકાયેલા પાંચ જિલ્લાઓમાં અમરેલી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પોરબંદર અને મોરબીનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના જિલ્લાઓનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ થાય છે. રાજ્યના તમામ જિલ્લા-તાલુકાઓને ગ્રીન ઝોનમાં લાવવાના લક્ષ્યાંક સાથે આરોગ્ય વિભાગ સહિતના તમામ કોરોના વોરિયર્સ અવિરતપણે કામગીરી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગ્રીન ઝોનમાં રહેવા માટે જે તે વિસ્તારમાં ૨૧ દિવસમાં એક પણ પોઝિટિવ કેસ ન આવવા જરૂરી છે.
ડો.રવિએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના સક્રિય હોદ્દેદારો સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં રાજ્યમાં ખાનગી ડોક્ટરો દ્વારા હોસ્પિટલ-ક્લિનીક શરૂ કરી ઓપીડી કાર્યરત કરવામાં આવે તે હેતુસર પરામર્શ કરવામાં આવ્યો હતો. જેની ફળશ્રુતિરૂપે આજે રાજ્યમાં કુલ ૩૯૬૪ ઓપીડી કાર્યરત થઇ છે જે ગઇકાલ સુધીમાં ૩૬૩૦ ઓપીડી હતી. નોંધનીય બાબત એ છે કે હાલમાં રાજ્યના માત્ર પાંચ જ તાલુકા એવા છે જ્યાં ઓપીડી શરૂ થઈ નથી.