વડોદરામાં કરજણ તાલુકાના લિલોડમાં પહેલા ડોઝનું સૌથી વધુ ૧૭૦ ટકા રસીકરણ
Live TV
-
કોરોનાના પહેલા ડોઝનું રસીકરણ: જિલ્લાના ૧૫ ગામોમાં ૧૦૦ ટકાથી વધુ અને ૨૮ ગામોમાં ૯૦ ટકાથી વધુ રસીકરણ પૂરું...
વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોક પ્રતિનિધિઓ અને આગેવાનોના સહયોગથી લોક જાગૃત્તિ કેળવીને કોરોના રસી મૂકવાની કામગીરી વ્યાપક રીતે કરવામાં આવી રહી છે. લોકો આ રસીના મહત્વ થી જેમ જેમ વાકેફ થતાં જાય છે તેમ તેમરસી લેવાની સ્વયં જાગૃત્તિ વધી રહી છે. રસીકરણના અગત્યના સીમાચિન્હ અંગે જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે, અત્યાર સુધીમાં જિલ્લાના વિવિધ તાલુકાઓના ૧૫ જેટલા ગામોમાં તમામ ગ્રામજનો એ પહેલા ડોઝની રસી લઇ લેતા ૧૦૦ ટકાથી વધુ રસીકરણ થયું છે. કરજણ તાલુકાના લિલોડ ગામે સહુથી વધુ ૧૭૦ ટકા રસીકરણ થયું છે.
આ અંગે ડો. જૈને જણાવ્યું કે, રસી સાચવવાની વ્યવસ્થા ને લઈને બહુધા સામુદાયિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે રસી મૂકવાની વ્યવસ્થા રાખવામાં આવે છે. એટલે એક ગામના કેન્દ્ર ખાતે આસપાસના નાના ગામોના લોકોને રસી મૂકી આપવામાં આવે છે. તેથી રસીકરણ ૧૦૦ ટકાથી વધુ રહે છે. જિલ્લામાં ૧૦૦ ટકાથી વધુ પહેલા ડોઝનું રસીકરણ પૂરું થઈ ગયું છે તેવા ગામોમાં અશગોલ, શમશેરપૂરા, પંખેર, હિરજીપુરા, લીલોડ, રોપા, પુનીતપુરા, સોમજ, દેલવાડા, લુણા, દરિયાપુરા, અનખોલ, ખટનબા, અલ્હાદપુરા અને આસોજ(w) નો સમાવેશ થાય છે. જ્યારે વિવિધ તાલુકાઓના અન્ય ૨૮ ગામોમાં ૯૦ ટકાથી વધુ લોકોએ પહેલા ડોઝની રસી મૂકાવી લીધી છે.