સુરેન્દ્રનગર જિલ્લાના 574 ગામો પૈકી 479 ગામોમાં 100% કોરોના રસીકરણ પૂર્ણ
Live TV
-
દેશ સાથે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાને ખાળવા માટે રસીકરણ મહાઅભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો થકી વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય તે રીતનું સુદ્રઢ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસોથી અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ ડોઝનું રસીકરણ 91℅ ટકા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાના કુલ 574 ગામો પૈકી 479 ગામોમાં 18 વર્ષથી વધુ વય ધરાવતા 100 ℅ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. વધુમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મૂળી અને થાનગઢ તાલુકાના તમામ ગામોમાં 18 વર્ષથી વધુ વય ધરાવતા 100℅ લોકોનું પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 18 વર્ષથી વધુ વય ધરાવતા અને રસી લેવા માટે લાયક હોય તેવા જિલ્લામાં 15 લાખથી પણ વધુ લોકોને કોરોના રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે. જે પૈકી અત્યાર સુધીમાં 10.43 લાખથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ, જયારે 4.76 લાખથી વધુ લોકોને રસીના બંને ડોઝ આપી કોરોના સામે રક્ષિત કરવામાં આવ્યા છે.
સમગ્ર જિલ્લામાં 100 ટકા રસીકરણ પૂર્ણ થાય તે માટે હજુ પણ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના ગામો ગામ અને ઘરે ઘરે જઈને લોકોને રસી લેવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, તેમજ રસી લેવામાં બાકી રહી ગયેલ લોકોને રસી આપવામાં આવી રહી છે. ઘણા ગામોમા ગ્રામજનો રસી ન લેવા માટે મક્કમ હતા, ત્યાં પણ તંત્ર દ્વારા લોકોમાં રસીકરણ અંગે જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેના પરિણામે રસી લેવા માટે લોકો આગળ આવ્યા છે.