સુરેન્દ્રનગર: શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત 136 બાળકોને હૃદય રોગની સારવાર માટે મંજૂરી
Live TV
-
માનવ શરીરમાં હૃદયનું ખુબ મહત્વ હોય છે જે અંતર્ગત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમનું આયોજન કરી રાજ્યની ભાવિ પેઢીને તંદુરસ્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના નવજાત શિશુથી ૬ વર્ષ સુધીના આંગણવાડીના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ, ખાનગી તથા સરકારી શાળાના તમામ વિધાર્થીઓ તેમજ શાળાએ ન જતાં ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોની નિ:શુલ્ક આરોગ્ય તપાસ અને સારવાર, વિના મૂલ્યે ચશ્મા વિતરણ, હૃદય, કિડની તેમજ કેન્સર જેવા ગંભીર રોગોની, કિડની પ્રત્યારોપણ સહિતની સારવાર, કોકલીયર ઇમ્પ્લાન્ટ તથા જન્મજાત કપાયેલા હોઠ અને તાળવા તથા જન્મજાત બધિરતા, માનસિક રોગોની સારવાર અને ૪-ડી પ્રમાણે ૩૦ પ્રકારના રોગોની સારવાર કરવામાં આવતી હોય છે.
જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં યોજાયેલ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના કુલ ૧૩૬ બાળકોને હૃદય રોગની સઘન સારવાર માટે મંજૂરી આપી છે. તેઓને યુ. એન. મહેતા કાર્ડિયોલોજિસ્ટ, સિવિલ હોસ્પિટલ-અમદાવાદ ખાતે રીફર કરવામાં આવેલ છે. જે પૈકી જાન્યુઆરી મહિનામાં ૩૦ બાળકો, ફેબ્રુઆરીમાં ૨૫ બાળકો, માર્ચમાં ૨૦ બાળકો, એપ્રિલમાં ૦૯ બાળકો, મેમાં ૦૬ બાળકો, જૂનમાં ૧૦ બાળકો, જુલાઇમાં ૧૦ બાળકો, ઓગષ્ટમાં ૧૪ બાળકો અને સપ્ટેમ્બરમાં ૧૨ બાળકોને મળીને જિલ્લાના કુલ ૧૩૬ બાળકોને હૃદય રોગની સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલ છે.