એમેઝોનના જંગલોમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવા સેના તૈનાત
Live TV
-
આ વનક્ષેત્ર સમગ્ર દુનિયાને 20 ટકા ઓક્સિજન પૂરું પાડે છે
બ્રાઝીલના હાર્ટ ઓફ ઓક્સીજનના નામથી ફેમસ એમેઝોનના જંગલમાં ભીષણ આગ લાગી છે. આ આગ સમગ્ર વિશ્વ પર્યાવરણ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. કારણકે આ વનક્ષેત્ર સમગ્ર દુનિયાને 20 ટકા ઓક્સિજન પૂરું પાડે છે. હવે આ આગને કાબૂમાં રાખવા માટે સેના તૈનાત કરવામાં આવી છે.
આ સાથે જ વિશ્વનું સૌથી મોટું વનક્ષેત્ર ગ્લોબલ વોર્મિંગની અસરને ઓછી કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. કુલ દસ ટકા જૈવ વિવિધતા ધરાવતા આ જંગલમાં જાનવરોની 30 લાખ પ્રજાતિ અને આશરે 10 લાખ સ્થાનીક લોકોનું રહેઠાણ છે. આ વિસ્તાર જલવાયુને નિયંત્રિત કરવા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ જંગલમાં લાગેલી આગથી ખૂબ જ નુકસાન પહોંચી રહ્યું છે. ગત એક વર્ષમાં 72 હજારથી વધારે આગ લાગવાની નાની મોટી ઘટનાઓ નોંધાઈ છે. એક રિસર્ચ અનુસાર 2018ની સરખામણીમાં આગ લાગવાની ઘટનામાં 83 ટકાનો વધારો થયો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો આ જ રીતે વનક્ષેત્ર ખતમ થતું રહ્યું તો પર્યાવરણ પર વિપરીત અસર પડશે.
એમેઝોનના જંગલમાં ભભૂકી ઉઠેલી આ આગની પાછળ મોટું ષડયંત્ર હોય તેવી આશંકા પણ લગાવવામાં આવી રહી છે. આ અંગે દુનિયાના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યાં છે.
