ઓસ્ટ્રેલિયામાં વિક્રમજનક વરસાદ પછી ભારે પૂર, અનેક વિસ્તારો જળબંબાકાર
Live TV
-
ન્યૂઝીલેન્ડ પછી હવે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં વરસાદે વિક્રમ તોડયો છે. ભારે વરસાદને કારણે ભીષણ પૂર આવતાં અનેક લોકો બેઘર બન્યા છે. કેટલાક વિસ્તારોમાં લોકોને ઘર છોડીને સલામત સ્થાને પહોંચવા આદેશ આપવામાં આવ્યા છે. બચાવકર્મી લોકોને સુરક્ષિત સ્થાને સ્થળાંતર કરાવી રહ્યા છે. પશુધન પણ મુશ્કેલીમાં મુકાયું છે. ઓસ્ટ્રેલિયા પોલીસે શનિવારે જણાવ્યું હતું કે, ક્વીન્સલેન્ડના મોટાભાગના વિસ્તારોમાં શનિવારે પૂરની ચેતવણી આપવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, સપ્તાહની શરૂઆતમાં ગલ્ફ કંટ્રીના શહેર બુર્કટાઉનના 53 રહીશો પૂરના પાણીમાં ફસાયા હતા. તેમને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા. વીતેલા બે વર્ષમાં પૂર્વ ઓસ્ટ્રેલિયામાં ભારે પૂર આવતાં કટોકટી જાહેર કરવાની ફરજ પડતી રહે છે. જાન્યુઆરી મહિનામાં તો ઉત્તરીય પ્રદેશે અભૂતપૂર્વ પૂરનો સામનો કર્યો હતો. ગલ્ફ કંટ્રીના બુર્કટાઉન શહેરમાં હજીપણ વસી રહેલા લગભગ 100 લોકો પૂરના પાણીમાં ફસાયા છે. શનિવારે પોલીસે તે તમામ લોકોને સુરક્ષિત સ્થાને સ્થળાંતર કરવા સૂચના આપી હતી. પોલીસ સ્થળાંતરમાં તેમને મદદ કરી રહી છે.
હવામાન વિભાગે રવિવારે ક્વીન્સલેન્ડમાં નદી જળ સપાટી મહત્તમ રહેવાની આગાહી કરી હતી. તે પછી તો બુર્કટાઉનમાં ગુરુવારે અને શુક્રવારે 293 મિ.મી. વરસાદ પડતાં ભારે પૂર આવ્યા હતા. પૂરના પાણી માર્ચ 2011ની 6.87 મીટરની સપાટી પણ વટાવી ગયા હતા. પોલીસ દક્ષિણમાં માઉન્ટ ઇસામાં આવેલા શહેરમાંથી લોકોને હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત સ્થાને પહોંચાડી રહી છે. બુર્કટાઉનની દક્ષિણે ગ્રેગરી શહેરના લોકો સાથે સંપર્ક કરવો મુશ્કેલ બની રહ્યો છે.
