ગ્રીસ: ભીષણ ટ્રેન અકસ્માતમાં 40થી વધુ લોકોના મૃત્યુ, પરિવહન મંત્રીએ આપ્યું રાજીનામું
Live TV
-
દુર્ઘટના માટે સ્થાનિક સ્ટેશન માસ્ટરને જવાબદાર ગણાવવામાં આવ્યા છે.
ગ્રીસના એંથેંસના ઉત્તરમાં મંગળવારે બે ટ્રેન ટકરાવાથી ભીષણ અકસ્માત થયો છે. આ ભીષણ દુર્ઘટનામાં 40થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોતાકિસે દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ જણાવ્યું છે કે, માનવીય ભૂલને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. આ સમગ્ર ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને ફરી આ પ્રકારની ઘટના ના થાય તેવા પગલાં લેવામાં આવશે. આ ઘટના માટે સ્થાનિક સ્ટેશન માસ્ટરને જવાબદાર ગણાવવામાં આવ્યા છે અને તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ દુર્ઘટના બાદ ગ્રીસના પરિવહન મંત્રી કોસ્તાસ કારામાનલિસે રાજીનામું આપી દીધું છે.
થિસલી ક્ષેત્રના ગવર્નક કોન્સ્ટેંટિનોસ એગોરાસ્ટોસ અનુસાર એથેંસથી થેસાલોનિકીના ઉત્તરીય શહેર જઈ રહેલ યાત્રી ટ્રેન અને થેસાલોનિકીથી લારિસા જઈ રહેલ માલગાડી અથડાઈ હતી. આ અકસ્માત મધ્ય ગ્રીસના લારિસા શહેર પાસે થયો હતો. એગોરાસ્ટોસે જણાવ્યું છે કે, આ ભીષણ અકસ્માતમાં ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને બે ડબ્બાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા.
