જાપાને અનેક મોટા ભૂકંપ બાદ આપવામાં આવેલી સુનામીની મજબૂત ચેતવણી પાછી ખેંચી
Live TV
-
દેશમાં અનેક મોટા ભૂકંપ આવ્યા બાદ જાપાને સુનામીની મજબૂત ચેતવણીને હટાવી લીધી છે. પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને હજુ સુધી તેમના ઘરે પાછા ન ફરવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે દરિયામાં જીવલેણ મોજાની શક્યતા છે. જાપાનની હવામાન એજન્સીએ ઇશિકાવા માટે મોટી સુનામીની ચેતવણી અને હોન્શુ ટાપુના બાકીના પશ્ચિમ કિનારા માટે નીચા સ્તરની સુનામીની ચેતવણી જારી કરી છે.
સુનામીની શક્યતા હોક્કાઇડોના દૂરના ઉત્તરીય ટાપુ જૂથ માટે પણ વ્યક્ત કરવામાં આવી હતી. કેટલાક કલાકો પછી, તેની સ્થિતિને નિયમિત સુનામી ચેતવણીમાં ડાઉનગ્રેડ કરવામાં આવી હતી. જેના કારણે દસ ફૂટ ઉંચા મોજા ઉછળી શકે છે. હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર આ જ વિસ્તારમાં આગામી થોડા દિવસો સુધી ભૂકંપના આફ્ટરશોક્સ આવી શકે છે.
અગાઉ, મધ્ય જાપાનમાં અનેક શક્તિશાળી ભૂકંપના કારણે એક મીટરથી વધુ ઊંચા મોજાં ઉછળ્યા હતા, જેના કારણે ઇમારતોને નુકસાન થયું હતું અને હાઇવે બંધ થયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ઇશિકાવાના નોટો વિસ્તારમાં સાંજે 4 વાગ્યે એક જોરદાર ભૂકંપ આવ્યો, જે રિક્ટર સ્કેલ પર સાત પોઇન્ટ છ માપવામાં આવ્યો હતો.
જાપાનમાં ભારતીય દૂતાવાસે ઇમરજન્સી કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે અને ઇમરજન્સી સંપર્ક માટે ફોન નંબર અને ઈ-મેલ આઈડી જારી કર્યા છે. ભૂકંપ અને સુનામીની ચેતવણી બાદ ભારતીય નાગરિકો માટે ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો જારી કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે - 81-80-3930-1715, 81-70-1492-0049, 81-80-3214-4734, 81-80-6229 -5382, અને 81-80-3214-4722. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતીય દૂતાવાસ સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. લોકોને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા કહેવામાં આવ્યું છે.