પાકિસ્તાનમાં ચૂંટણીઃ ક્વેટામાં બોમ્બ બ્લાસ્ટથી 25ના મોત 30 ઘાયલ
Live TV
-
પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણી છે જે પાકિસ્તાનનું ભાવિ નક્કી કરશે. મતદાન શરુ થયાના ગણતરીના કલાકોમાં પાકિસ્તાનના ક્વેટામાં પોલીસ વેનને નિશાન બનાવીને કરાયેલા બોમ્બ બ્લાસ્ટમાં 25 લોકોના મોત થયા હતા અને 30 લોકો ઘાયલ થયા હતા. સામાન્ય રીતે પાકિસ્તાનમાં સેના હાવિ રહેતી હોય છે. આથી જ તેના 71 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર છે કે માત્ર બીજી વાર એક લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારના હાથમાંથી બીજી આવી જ સરકારના હાથમાં સત્તાનું હસ્તાંતરણ થશે. બાકી, સામાન્યતઃ લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને સેનાધ્યક્ષ દ્વારા ઉથલાવી સત્તા કબજે કરવાના બનાવો વધુ બન્યા છે.
આજની ચૂંટણી મુખ્યત્વે પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના પીએમએલ (એન) અને પૂર્વ ક્રિકેટર-કમ-રાજકારણી ઈમરાન ખાનના પીટીઆઈ વચ્ચેનો જંગ છે. નવાઝ શરીફ હાલ પનામા પેપર કૌભાંડ કેસમાં જેલમાં છે. તેથી તેઓ પ્રત્યક્ષ રીતે જંગમાં નથી. પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા જાહેર આંકડા અનુસાર, 10 કરોડ 59 લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ વખતની ચૂંટણીમાં ત્રાસવાદી હાફીઝ સઈદના જમાત-ઉદ-દાવા દ્વારા હાફીઝ સઈદના પુત્ર હાફીઝ તલ્હા સઈદ અને તેના જમાઈ ખાલીદ વાલીદ સહિત 265 ઉમેદવારો પણ છે. આ બાબત ભારત માટે ચિંતાજનક છે. પાકિસ્તાનમાં ત્રાસવાદીઓને છૂટા દોરના કારણે અમેરિકા દ્વારા નાણાં સહાયમાં જંગી કાપ મૂકાયો છે. ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફૉર્સ દ્વારા પણ તેને ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અત્યંત કથળેલી છે. આવા સંજોગોમાં જોવાનું એ રહે છે કે નવા કયા કર્ણધાર પાકિસ્તાનને મળે છે.