ભારત હંમેશા યુગાન્ડાની પડખે રહેશેઃ પ્રધાનમંત્રી મોદી
Live TV
-
આફ્રિકા પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુગાન્ડા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદી અને પ્રમુખ યોવેરી મુસેવેની વચ્ચે પરસ્પરના સંબંધો મજબુત કરવા અંગે ચર્ચા થઈ હતી. બન્ને દેશો વચ્ચે વિવિધ સમજૂતીઓ પણ કરવામાં આવી હતી. વડાપ્રધાને યુગાન્ડાને 20 કરોડ ડોલરનું ધિરાણ આપવાની પણ જાહેરાત કરી હતી. બુધવારે પ્રધામંત્રી યુગાન્ડાની સંસદને સંબોધન કરશે.
યુગાન્ડાની સેનાએ સ્વાગત ધૂન વગાડીને પ્રધાનમંત્રી મોદીને આવકાર્યા હતા. પ્રધાનમંત્રીએ યુગાન્ડાના કેન્સર મીશનને થેરાપી મશીન આપવાની પણ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ કંપાલા ખાતે પ્રેસિડેન્ટ યોવેરી મ્યુસેવેની સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરી હતી. યુગાન્ડા પહોંચ્યા તે અગાઉ પ્રધાનમંત્રીએ રવાન્ડાની મુલાકાત દરમિયાન રવાન્ડાના રવેરૂ મોડલ ગામની મુલાકાત લીધી હતી તેમજ ગિરિંકા યોજના અંતર્ગત ગામને 200 ગાયની ભેટ આપી હતી. નોંધનીય છે કે રવાન્ડામાં ગિરિંકા યોજના રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા અંતર્ગત ચલાવવામાં આવી રહી છે ગિરિંકાનો અર્થ થાય છે એક ગાય રાખો. ગરીબી નાબૂદી માટે વર્ષ 2006માં રવાન્ડામાં આ યોજના શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ કિગાલી નરસંહાર સ્મારકની મુલાકાત લઇને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સ્મારક રવાન્ડામાં વર્ષ 1994માં થયેલા નરસંહારમાં મૃત્યુ પામેલા અઢી લાખ લોકોની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે. તો રવાન્ડાના કિગાલી ખાતે ઇન્ડિયા રવાન્ડા બિઝનેસ ફોરમને સંબોધન કર્યું હતું. અને જણાવ્યું હતું કે આખા આફ્રિકામાં રવાન્ડાના વિકાસ મોડલની ચર્ચા થઈ રહી છે. જે તેની પ્રગતિ દર્શાવે છે.