માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ભારતીય સેના અંગે નિવેદન ચર્ચામાં
Live TV
-
માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ફરી એકવાર કહ્યું કે માલદીવ તેના કિનારા પરથી ભારતીય સૈન્ય કર્મચારીઓને શક્ય તેટલી વહેલી તકે પરત મોકલવાનું કામ કરશે.
માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ફરી એકવાર કહ્યું કે માલદીવ તેના કિનારા પરથી ભારતીય સૈન્ય કર્મચારીઓને શક્ય તેટલી વહેલી તકે પરત મોકલવાનું કામ કરશે. ઉલ્લેખનીય છે કે માલદીવના વર્તમાન રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહને હરાવનાર મુઈઝુ 17 નવેમ્બરે પદ સંભાળશે.
મળતી માહિતી અનુસાર, મુઇઝુએ ભારપૂર્વક કહ્યું કે, દેશની વિદેશ નીતિ માટે આ જરૂરી છે. માલદીવના કિનારેથી ભારતીય દળોને પાછા હટાવવા એ તેમના ચૂંટણી પ્રચારની મુખ્ય નીતિ હતી. તેમણે કહ્યું કે, હું શક્ય તેટલી વહેલી તકે માલદીવમાંથી સૈન્ય કર્મચારીઓને પાછા મોકલવા માટે કામ કરી રહ્યો છું અને આ માટે હું ભારત સાથે સ્પષ્ટ અને વિગતવાર રાજદ્વારી પરામર્શ કરીશ.
તેમણે કહ્યું કે અહીં તેમનું ધ્યાન સૈન્ય કર્મચારીઓની વાસ્તવિક સંખ્યા પર નથી, પરંતુ માલદીવમાં કોઈ ભારતીય સૈનિક ન રહે તેની ખાતરી કરવા પર છે. અમે ભારત સરકાર સાથે પણ આ અંગે ચર્ચા કરીશું અને આ માટે આગળનો રસ્તો શોધીશું.
એક અહેવાલ મુજબ, આ પહેલા મોહમ્મદ મુઈઝુએ કહ્યું હતું કે તેઓ માલદીવમાં તૈનાત ભારતીય સૈન્ય કર્મચારીઓને હટાવવાના તેમના અભિયાનના વચનને વળગી રહેશે. તેમણે કહ્યું હતું કે, લોકોએ અમને કહ્યું છે કે તેઓને અહીં વિદેશી સૈનિકો નથી જોઈતા.
ઉલ્લેખનીય છે કે મોહમ્મદ મુઈઝુને વ્યાપકપણે ચીનના સમર્થક માનવામાં આવે છે. ચૂંટણીમાં તેમની જીત બાદ ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ચીન માલદીવના લોકોની પસંદગીનું સન્માન કરે છે અને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને અભિનંદન આપે છે.
