સિંગાપોરમાં ભારતીય હાઈ કમિશનર પી. કુમારન સાથે ભારતના પ્રતિનિધિમંડળની મુલાકાત
Live TV
-
વર્ષ 2022 ને ASEAN-ભારત મિત્રતા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ભારત-ASEAN 30 વર્ષના સંબંધોની ઉજવણી કરી રહયું છે. આ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ભાગરૂપે, ભારત તરફથી પત્રકારોનું પ્રતિનિધિમંડળ 8 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી આસિયાન-ઈન્ડિયા મીડિયા એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સિંગાપોર અને કમ્બોડિયાની મુલાકાતે છે. મુલાકાતના પ્રથમ તબક્કામાં પ્રતિનિધિમંડળૅ સિંગાપોરની મુલાકાત લીધી હતી. અહી તેમણે સિંગાપોર ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SICCI) ની મુલાકાત લીધી અને અહી વિવિધ વેપારી નીતિઓ, ભારત સરકાર પાસેથી સિંગાપોરના વેપારી સમુદાયની અપેક્ષાઓ અને ભારત-સિંગાપોરના વેપારી સંબંધો આગામી વર્ષોમાં કેવી રીતે આગળ વધશે જેવા વિષયો પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.
પ્રતિનિધિમંડળે સિંગાપોરમાં ભારતીય હાઈ કમિશનર પી. કુમારનની પણ મુલાકાત લીધી હતી. હાઈ કમિશનરે ભારત અને સિંગાપોર વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અલગ અલગ ક્ષેત્ર જેવા કે સંરક્ષણ, ગ્રીન એનર્જી, ફીન ટેક, શિક્ષણ, ડીજીટલ ઈકોનોમીમા કેવી મજબૂત રીતે આગળ વધી રહ્યા છે તે અંગે જાણકારી આપી હતી. ત્યારબાદ પ્રતિનિધિમંડળે સિંગાપોરના વિદેશમંત્રાલય અને માહિતી અને પ્રસારણ વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને આ વિભાગોની કામગીરી અને પડકારો વિશે વાત કરી હતી. પ્રથમ ચરણની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રતિનિધિમંડળ કંબોડિયા પહોંચ્યુ હતું. અહી તેમણે 'તા પ્રોહમ' મંદિર અને વિશ્વના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાનું એક 'અંગકોર વટ' ની પણ મુલાકાત લીધી હતી. અંગકોર વટ મંદિરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામા આવ્યું છે. પ્રતિનિધિ મંડળે આ બંને મંદિરોને પુનઃસ્થાપિત કરવામાં ભારત સરકાર અને ભારતના પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા ભજવવામાં આવેલી અગ્રણી ભૂમિકાની માહિતી મેળવી હતી.
