INS તર્કાશ દક્ષિણ આફ્રિકામાં IBSAMAR-IX નૌકાદળ કવાયતમાં લેશે ભાગ
Live TV
-
કવાયતનો મુખ્ય ઉદ્દેશ ત્રણેય દેશોનાં નૌકાદળો વચ્ચે સંકલન, કાર્યક્ષમતા અને દરિયાઈ સહયોગને વધુ મજબૂત બનાવવાનો.... INS તર્કાશના કમાન્ડિંગ ઑફિસરે દક્ષિણ આફ્રિકાના નૌકાદળના ફ્લેગ ઑફિસર ફ્લીટ રિયર એડમિરલ હેન્ડસમ મત્સાને સાથે મુલાકાત કરી...
ભારતીય નૌકાદળનું જહાજ INS તર્કાશ 11 ઑક્ટોબરના રોજ દક્ષિણ આફ્રિકાના સિમન્સ ટાઉન ખાતે પહોંચ્યું હતું. અહીં ભારતીય નૌકાદળનું જહાજ બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના નૌકાદળ સાથે યોજાનારી સંયુક્ત કવાયત IBSAMAR-IXમાં ભાગ લેશે. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ ત્રણેય દેશોનાં નૌકાદળો વચ્ચે સંકલન, કાર્યક્ષમતા અને દરિયાઈ સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે.
સિમન્સ ટાઉન પહોંચ્યા બાદ INS તર્કાશના કમાન્ડિંગ ઑફિસરે દક્ષિણ આફ્રિકાના નૌકાદળના ફ્લેગ ઑફિસર ફ્લીટ રિયર એડમિરલ હેન્ડસમ મત્સાને સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન દરિયાઈ સુરક્ષા, સમુદ્રમાં પરસ્પર સહયોગ અને નૌકાદળો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
IBSAMAR-IX સંયુક્ત કવાયત દરમિયાન ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાનાં નૌકાદળો વિવિધ સંયુક્ત તાલીમ સત્રો અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. આ કવાયતથી ત્રણેય દેશોનાં નૌકાદળોને એકબીજાની કામગીરી અને ક્ષમતાઓ સમજવાની તક મળશે. સાથે જ સંયુક્ત કામગીરી દરમિયાન પરસ્પર સંકલન અને કાર્યક્ષમતામાં વધારો થશે.
આ કવાયત ભારતની દરિયાઈ સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય નૌકાદળ સહયોગને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
