UNGA: જળવાયુ પરિવર્તન મુશ્કેલી સામે લડવા PM મોદીએ સભ્ય દેશોને કર્યું આહ્વાન
Live TV
-
જળવાયુ પરિવર્તન મુદ્દે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય સત્રને સંબોધિત કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પર્યાવરણને બચાવવા જનઆંદોલન ચલાવવું એ સમયની માંગ છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જળવાયુ પરિવર્તનના હાલના ખતરા સામે નીપટવા માટે સંયુક્ત રાષ્ટ્ર સભ્ય દેશોને પ્રાકૃતિક આપદા પ્રબંધનથી જોડવાનું આહ્વાન કર્યું છે. ન્યૂયોર્કમાં જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્રને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત વિકાસશીલ દેશ હોવા છતાં પણ પ્રકૃતિ અને આધુનિક આર્થિક ગતિવિધિઓ વચ્ચે સામંજસ્ય બનાવીને આગળ વધી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યુયોર્કમાં જળવાયુ પરિવર્તન મુદ્દે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય સત્રને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે, પર્યાવરણને બચાવવા જનઆંદોલન ચલાવવું એ સમયની માંગ છે. જળવાયુ પરિવર્તનને લઈને વિશ્વભરમાં અનેક પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ આપણે સ્વીકારવું પડશે કે આ ગંભીર સમસ્યાનો સામનો કરવા વૈશ્વિક એકતાની જરૂર છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારતમાં 15મી ઓગસ્ટથી સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરૂદ્ધ અભિયાન શરૂ કરાયું છે.
વિશ્વના નેતાઓને જળવાયુ પરિવર્તનના મુદ્દે તેજ ગતિથી કાર્યવાહી કરવા અને મુશ્કેલીઓનું સમાધાન કરવા સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે આહવાન કર્યું હતું. સંમેલનનું ઉદ્ઘાટન કરતાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતારેશે દુનિયાભરમાં થઈ રહેલા જળવાયુ પરિવર્તન પર ચિંતા દર્શાવતા કહ્યું કે, જળવાયુ પરિવર્તનથી નિપટવા માટે આપણને પોતાની જીવનશૈલીમાં બદલાવ કરવાની જરુર છે. તેમણે એ પણ કહ્યું કે અત્યારે બોલવાનો નહીં પણ કંઈક કરવાનો સમય છે.
યુએનમાં જળવાયુ પરિવર્તન પર થયેલા સત્રને સ્વીડનની પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે પણ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે દસ વર્ષમાં પોતાના ઉત્સર્જનને અડધા કરવાના આપણા વિચારથી આપણે પર્યાવરણને થઈ રહેલા ખતરાની મુશ્કેલી નહીં ઉકેલી શકીએ.
