અમેરિકા ભારતને પ્રેમ અને આદર કરે છે અને ભવિષ્યમાં પણ ભારતના લોકોનો આદર કરતું રહેશે : ડોનાલ્ડ ટ્રમ્પ
Live TV
-
અમદાવાદ : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે. મોટેરા ખાતે તેમણે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું સંબોધન કર્યું હતું. આ પ્રસંગે યુએસ પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકા ભારતને પ્રેમ અને આદર કરે છે અને ભવિષ્યમાં પણ ભારતના લોકોનો આદર કરતું રહેશે. મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેતા પહેલા તેમણે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે ભારત અને પીએમ મોદીની પ્રશંસા કરી હતી. સાથે સાથે જ તેમણે મોદી પિતાની ચાની કેબિન પર રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનની શરૂઆત "નમસ્તે" કહીને કરી હતી. ટ્રમ્પે કહ્યુ કે ભારત આવવું અમારા માટે ગર્વની વાત છે. હું અને ફર્સ્ટ લેડી 8000 માઇલની સફર ખેડીને અહીં પહોંચ્યા છીએ. અમેરિકા હિન્દુસ્તાનનું મિત્ર છે અને તેનું સન્માન કરે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના હોળી, દિવાળી જેવા તહેવારોનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જણાવ્યું કે, ભારતમાં આજે હિન્દુ, જૈન, મુસ્લિમ, શિખ, સહિત તમામ ધર્મના લોકો રહે છે. અહીં વિવિધ ભાષા બોલાય છે છતાં અહીંના લોકો એક શક્તિની જેમ રહે છે. અમેરિકાના વિકાસમાં ભારતીય મૂળના લોકોનો મહત્વનો ફાળો રહ્યો છે.વધુમાં તેમણે પોતાના ભાષણમાં વિવેકાનંદ અને મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકા અને ભારતમાં ઘણા સમાનતા છે, જેમાં દરેક વ્યક્તિને એક સમાન માનવામાં આવે છે.અમેરિકામાં રહેતા અનેક ઉદ્યોગપતિ ગુજરાતથી આવે છે. આ પ્રસંગે તેમણે અમેરિકાના વિકાસમાં યોગદાન આપવા માટે તમામ લોકોનો આભાર માન્યો હતો.
રાષ્ટ્રપતિ ટ્રમ્પએ પોતાના ભાષણમાં બોલિવૂડને યાદ કરતા કહ્યું હતું કે, ભારતમાં દર વર્ષે 2000થી વધારે ફિલ્મો બને છે, જે બોલિવૂડ છે. આખા દુનિયામાં તેમનું સ્વાગત કરવામાં આવે છે. સાથે જ પ્રમુખ ટ્રમ્પે ડીડીએલજે ફિલ્મનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે સચિન અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભાષણ દરમિયાન પોતાની સરકારની ઉપલબ્ધી ગણાવી હતી. ટ્રમ્પ બોલ્યા કે, ભારત-અમેરિકા આજે દોસ્તી સાથે સાથે બિઝનેસ ક્ષેત્રમાં પણ આગળ રહ્યા છે. મેં અને મેલાનિયાએ આજે મહાત્મા ગાંધી આશ્રામની મુલાકાત કરી હતી. જ્યાં ગાંધીજીએ મીઠાનું આંદોલન શરૂ કર્યું હતું. આજે અમે તાજમહેલ પણ જઈશું.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, કાલે હું પીએમ મોદી સાથે દ્વીપક્ષીય વાતચીત કરીશ. જેમાં અનેક ડીલ્સ પર વાતચીત થશે. ભારત અને અમેરિકા ડિફેન્સ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. ભારતને બહુ ઝડપથી હથિયાર અને મિસાઇલ આપીશું. અલ બગદાદીને ઠાર કર્યો છે. અમે આતંકવાદ સામે કડક પગલાં લઈ રહ્યા છીએ.
