અયોધ્યાઃ રામ મંદિરમાં શ્રી રામલલાની થઈ પ્રાણ પ્રતિષ્ઠા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી આરતી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપની મૂર્તિ પરથી કાપડનું આવરણ હટાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ રામલલાની મૂર્તિના દિવ્ય દર્શન થયા હતા. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂજા વિધી અને આરતી કરી હતી. પ્રાણ પ્રતિષ્ઠા વિધી દરમિયાન ગર્ભગૃહમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, RSSના પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા.
ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દેશના તમામ મુખ્ય આધ્યાત્મિક અને ધાર્મિક સંપ્રદાયોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે વિવિધ આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સહિત જીવનનાં તમામ ક્ષેત્રોના લોકો પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
જણાવી દઈએ કે, ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. તેની લંબાઈ (પૂર્વ-પશ્ચિમ) 380 ફિટ છે; પહોળાઈ 250 ફિટ અને ઊંચાઈ 161 ફિટ છે; અને કુલ 392 સ્તંભો અને 44 દરવાજા દ્વારા સમર્થિત છે. મંદિરના સ્તંભો અને દિવાલો હિન્દુ ભગવાનો, દેવતાઓ અને દેવીઓના જટિલ મૂર્તિકળા ચિત્રો દર્શાવે છે. ગ્રાઉન્ડ ફ્લોર પર મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામ (શ્રી રામલલ્લાની મૂર્તિ)નું બાળપણનું સ્વરૂપ મૂકવામાં આવ્યું છે.
મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર પૂર્વ બાજુએ આવેલું છે, જ્યાં સિંહદ્વાર દ્વારા 32 પગથિયાં ચડીને પહોંચી શકાય છે. મંદિરમાં કુલ પાંચ મંડપ (હૉલ) છે-નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ. મંદિરની નજીક એક ઐતિહાસિક કૂવો (સીતા કૂપ) છે, જે પ્રાચીન યુગનો છે. મંદિર સંકુલના દક્ષિણપશ્ચિમ ભાગમાં કુબેર ટિલા ખાતે જટાયુની પ્રતિમાની સ્થાપના સાથે ભગવાન શિવનું પ્રાચીન મંદિર પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે.
મંદિરનો પાયો રોલર-કોમ્પેક્ટેડ કોંક્રિટ (આર.સી.સી.)નાં 14 મીટર જાડા સ્તર સાથે બાંધવામાં આવ્યો છે, જે તેને કૃત્રિમ ખડકનો દેખાવ આપે છે. મંદિરમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ થતો નથી. જમીનના ભેજ સામે રક્ષણ માટે, ગ્રેનાઈટનો ઉપયોગ કરીને 21 ફૂટ ઊંચો આધારસ્તંભ બનાવવામાં આવ્યો છે. મંદિર સંકુલમાં ગટર પ્રક્રિયા પ્લાન્ટ, જળ પ્રક્રિયા પ્લાન્ટ, આગ સલામતી માટે પાણી પુરવઠો અને એક સ્વતંત્ર પાવર સ્ટેશન છે. આ મંદિરનું નિર્માણ દેશની પરંપરાગત અને સ્વદેશી તકનીકનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે.
