આગ્રા-લખનૌ હાઈવે પર બસ દુર્ઘટનામાં 29ના મોત, PMએ વ્યક્ત કર્યું દુઃખ
Live TV
-
'ઝરના નાળા'માં ખાબકી બસ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પાંચ-પાંચ લાખની સહાયની જાહેરાત
ઉત્તરપ્રદેશઃ આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર સવારના સમયે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. અંદાજે ચાલીસ મુસાફરો ભરેલી બસ પુલ પરથી નીચે 'ઝરના નાળા'માં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 29 લોકોના મોત થયાં છે. જ્યારે 13થી 14 લોકોની હાલત અતિગંભીર જણાવાઈ રહી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવાર પ્રત્યે સંવેદના દાખવી હતી અને વળતરની પણ જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે,'જેમણે પણ આ દુર્ઘટનામાં પરિવારના સભ્યો ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદના રહેલી છે. જેઓ ઈજાગ્રસ્ત થયાં છે તેઓ જલદીથી સારા થઈ જાય તેવી કામના.' આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોકસંદેશ પાઠવતા કહ્યું હતું કે'આગરા, ઉત્તર પ્રદેશમાં યમુના એક્સપ્રેસ વે પર થયેલી બસ દુર્ઘટના વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. રાજ્ય સરકાર અસરગ્રસ્ત લોકોની મદદ માટે શક્ય એટલો દરેક પ્રયાસ કરી રહી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ. હું ઘાયલોના સારા સ્વાસ્થ્ય માટે કામના કરું છું.'
આ દુર્ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવકાર્યની ટીમ તેમજ આસપાસના સ્થાનીકો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. હાલ પણ રાહતકાર્ય પૂરજોશમાં ચાલું છે. આ દુર્ઘટના એત્માદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. બસમાં અંદાજે પચાસ મુસાફરો હતાં અને આ દરેકને લઈને બસ એક્સપ્રેસ વેની નીચે ખાબકી હતી. હાલ તો આ ગંભીર દુર્ઘટના કેવી રીતે બની તે વિશે કોઈ માહિતી સામે આવી નથી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને પાંચ-પાંચ લાખ રુપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે.
