આજે પ્રધાનમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા કર્ણાટકમાં 4 રેલી દરમિયાન જનસભાને સંબોધશે
Live TV
-
દક્ષિણ ભારતમાં આ એકમાત્ર રાજ્ય છે જ્યાં ભાજપની મજબૂત પકડ છે
આજે પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી દ્વારા કર્ણાટકમાં 4 રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કર્ણાટકની 28 માંથી 14 લોકસભા સીટો પર બીજા તબક્કામાં મતદાન થઈ ગયું છે, જ્યારે બાકીની 14 સીટો પર ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર કર્ણાટક ક્ષેત્રમાં બેલાગવી, ઉત્તરા કન્નડ, દાવાનગેરે અને બેલ્લારીમાં ચાર ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. ત્રીજા તબક્કામાં રાજ્યની 28 માંથી વધુ 14 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે. તેમાં બાગલકોટ, બેલગામ, બિદર, બીજાપુર, ચિક્કોડી, દાવણગેરે, ધારવાડ, કુલબર્ગી, હાવેરી, બેલ્લારી, કોપ્પલ, રાયચુર, શિમોગા અને ઉત્તરા કન્નડ લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે.
કર્ણાટકમાં લોકસભા ચૂંટણીમાં ભાજપે હંમેશા શાનદાર પ્રદર્શન કર્યું છે. દક્ષિણ ભારતમાં આ એકમાત્ર રાજ્ય છે જ્યાં ભાજપની મજબૂત પકડ છે. 2019 ની સામાન્ય ચૂંટણીમાં પાર્ટીએ રાજ્યની 28માંથી 25 બેઠકો પર એકતરફી જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી.
ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. આ તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 95 લોકસભા બેઠકો માટે મતદાન થશે. આ બેઠકો પરથી 1351 ઉમેદવારોનું ભાવિ દાવ પર લાગેલું છે. આ જ તબક્કામાં કર્ણાટકની બાકીની 14 બેઠકો સાથે ગુજરાતની તમામ 25 બેઠકો માટે મતદાન થશે. આ સાથે ત્રીજા તબક્કામાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારની ઘણી બેઠકો માટે મતદાન થશે.