આજે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે
Live TV
-
ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક મળવા જઇ રહી છે. સાંજે પક્ષના કેન્દ્રીય કાર્યાલયમાં બેઠક મળશે. બેઠકમાં બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપ પોતાના ઉમેદવારો અંગે વિચારણા કરશે. આ પહેલાં દિલ્હી અને પટણામાં પક્ષના નેતાઓ અનેક તબક્કે બેઠક યોજીને આ મુદ્દે વિચારણા કરી ચુક્યા છે. બિહારમાં પ્રથમ તબક્કામાં વિધાનસભાની 71 બેઠકો માટે 28 ઓક્ટોબરે મતદાન થવાનું છે. એક ઓક્ટોબરથી આ બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રીયા શરૂ થઇ ચુકી છે. ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્ર દાખલ કરવાની અંતિમ તારીખ 8 ઓક્ટોબર છે. ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ 12 ઓક્ટોબર છે. ત્રણ તબક્કે યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણી માટેની મતગણતરી 10 નવેમ્બરે યોજાશે. બિહારમાં મહાગઠબંધને ચૂંટણી માટે બેઠક ફાળવણીની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રીય જનતા દળ પાર્ટીના નેતા અને પુર્વ મુખ્યમંત્રી તેજસ્વિ યાદવે જણાવ્યું કે તેમનો પક્ષ 144 બેઠકો પર ચૂંટણી લડશે તો કોંગ્રેસ 70 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખશે. કોંગ્રેસ આ ઉપરાંત વાલ્મિકીનગર લોકસભા બેઠક પરથી પણ ચૂંટણી લડશે. સાત નવેમ્બરે આ બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની છે. ડાબેરી પક્ષોને પણ બેઠકની ફાળવણી કરવામાં આવી છે. બિહારમાં બેઠક ફાળવણીની જાહેરાત થતાં જ સાથી પક્ષોમાં તિરાડ પડી છે. સંયુક્ત પત્રકાર પરિષદમાં તેજસ્વિ યાદવે બેઠક ફાળવણીની જાહેરાત કરતાં જ વી.આઇ.પી.ના નેતા મુકેશ સાહની પત્રકાર પરિષદ છોડીને જતા રહ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ મહાગઠબંધન છોડી રહ્યા છે.