આરોગ્ય મંત્રાલયઃ દેશમાં 7 મે બાદ કોરોના સંક્રમણના દૈનિક કેસોની સંખ્યા સતત ઘટાડો
Live TV
-
આરોગ્ય મંત્રાલયે દેશમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે પત્રકારોને સંબોધતા કહ્યું કે, દેશમાં 7 મી મે બાદ કોરોના સંક્રમણના દૈનિક કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. તેમાં પણ 17મી મે બાદ દેશમાં દરરોજ 3 લાખથી ઓછા કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1 લાખ 96 હજાર કેસ નોંધાયા છે. તો 3 હજાર 511 દર્દીઓના મરણ થયા છે. તો ત્રણ લાખ 27 હજાર દર્દીઓ સાજા થયા છે. રીકવરી રેટ મામલે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશના રિકવરી રેટમાં પણ સતત વૃદ્ધિ નોંધાઇ રહી છે. 3જી મેના રોજ રિકવરી રેટ 81. 7 ટકા હતો જે અત્યાર સુધીમાં વધીને 88.7 ટકાએ પહોંચ્યો છે. વધુમાં આરોગ્ય મંત્રાલયે ઉમેર્યુ કે દેશમાં છેલ્લા 22 દિવસોથી એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી રહી છે. 3જી મેના રોજ એક્ટિવ કેસનું પ્રમાણ 17.18 ટકા હતું. જે હવે ઘટીને 10.17 ટકાએ પહોંચ્યું છે. જેને પરિણામે હાલ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 27 લાખ 20 હજારે પહોંચી છે. તો દેશમાં અત્યાર સુધીમાં 19 કરોડ, 60 લાખથી વધારે લોકોએ રસી લીધી છે. એઇમ્સ દિલ્હીના ડિરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાએ મ્યુકર માઇકોસીસ અંગે વાત કરતા જણાવ્યું કે, મ્યુકર માઇકોસિસ એ સંક્રમણ ફેલાવતો રોગ નથી. આ રોગ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતો નથી. વધુમાં ડૉ. રણદીપ ગુલેરિયાએ ઉમેર્યુ કે ડાયાબિટીસના દર્દીઓ અને સ્ટીરોઇડ લેતા દર્દીઓએ રોગના લક્ષણો જણાય તો તુરંત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ. તો સંભવિત ત્રીજી લહેરમાં બાળકો કોરોનાનો ભોગ વધુ બનશે તે વાતને નકારતા ડૉ.ગુલેરિયાએ જણાવ્યું કે ત્રીજી લહેરમાં બાળકો વધુ ભોગ બનશે તેવા હજી સુધી કોઇ સંકેત કે પ્રમાણ મળ્યા નથી.
