આર્મી ચીફ બિપિન રાવત આજે કાશ્મીરની મુલાકાતે, સુરક્ષા સ્થિતિની કરશે સમીક્ષા
Live TV
-
સેના પ્રમુખ જનરલ બિપિન રાવત જમ્મુ કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે. બીજી તરફ કાશ્મીર ઘાટીમાં 81 થાના ક્ષેત્રોમાં પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી છે. ઘાટીમાં કોઈ અનિચ્છનીય ઘટના બનવાના સમાચાર પ્રાપ્ત થયા નથી. ખાદ્ય ચીજ વસ્તુઓ પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે.
આર્મી જનરલ બિપિન રાવત આજે જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે. જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવાયા બાદ સેના પ્રમુખ પહેલી વાર કાશ્મીરની મુલાકાત લઈ રહ્યા છે. તેઓ કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ અને સુરક્ષાદળોની તૈયારીઓ અંગે સમીક્ષા કરશે.
એક દિવસ પહેલા જ રક્ષામંત્રી રાજનાથ સિંહે લદ્દાખની મુલાકાત લીધી હતી. રક્ષામંત્રીએ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને પાકિસ્તાન પોતાના હસ્તકના કાશ્મીરમાં માનવાધિકારોનું ઉલ્લંઘન રોકવું જોઈએ.
એક તરફ કાશ્મીર રાજ્યમાં 370ની કલમ હટાવાયા બાદ સ્થિતિ સામાન્ય થઈ રહી છે. જનજીવન સામાન્ય થઈ રહ્યું, તો સ્કૂલો અને કોલેજો પણ શરૂ થઈ ગઈ છે. જો કે કાયદાકીય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષાદળો હજુ પણ ગોઠવવામાં આવ્યા છે. ઘાટીમાં મોટાભાગના વિસ્તારોમાં ટેલિફોન સેવા પણ શરૂ કરવામાં આવી છે.
