આસામ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું આજે થઇ રહ્યું છે મતદાન
Live TV
-
આસામમાં 12 જિલ્લાની 47 બેઠકો પર અને પશ્ચિમ બંગાળમાં કુલ 5 જિલ્લાની 30 બેઠકો પર આજે પહેલા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે
આસામમાં કુલ 126 બેઠકો પર 3 તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે આસામમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. જે અન્વયે આજે આસામમાં 12 જિલ્લાની 47 બેઠકો પર મતદાન થશે.
મધ્ય આસામનાં ત્રણ જિલ્લાઓ સોનીતપુર, વિશ્વનાથ, અને નવગાવની 13 બેઠકો અને અન્ય 9 જિલ્લા ગોલાધાટ, જોરહાટ, માજોલી, શિવસાગર, ચરાઈદેવ, લખીનપુર, ભેમાજી, દીબ્રુગઢ અને તીનસુકિયાની 34 બેઠકો પર આજે પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે.
આ 47 બેઠકોના મતવિસ્તારમાં કુલ 81 લાખ 9 હજાર 815 મતદારો છે જેમાં મહિલા મતદારોની સંખ્યા 40 લાખ 32 હજાર 481 અને 40 લાખ 77 હજાર 210 પુરુષ મતદારો છે. આ પહેલા તબક્કામાં આસામના 124 થર્ડ જેન્ડર પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ તબક્કામાં કુલ 264 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. પ્રથમ તબક્કાના મતદાન માટે 11 હજાર 537 મતદાનમથકો તૈયાર કરાયા છે.
બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં આજે પહેલા તબક્કામાં કુલ 5 જિલ્લાની 30 બેઠકો પર મતદાન શરુ થયુ છે. જેમાં પુર્વી મેદનીપુરની 7, પશ્ચિમી મેદનીપુરની 6, ઝારગ્રામની 4, પુરુલીયાની 9 બેઠકો અને બાકુરા જિલ્લાની 4 બેઠકો પર મતદાન થઈ રહ્યુ છે. જે 30 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે ત્યાં કુલ 73 લાખ 92 હજાર 709 મતદારો છે. જેમાં મહિલા મતદારોની સંખ્યા 36 લાખ 28 હજાર 310 અને 37 લાખ 64 હજાર 344 પુરુષ મતદારો છે. પહેલા તબક્કામાં રાજ્યના 55 થર્ડ જેન્ડર મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પહેલા તબક્કાની આ 30 બેઠકો પર કુલ 191 ઉમેદવારો ચુંટણી મેદાનમાં ઉતર્યા છે. જેમાં 21 મહિલા અને 170 પુરુષ ઉમેદવાર છે. રાજ્યમાં પહેલા તબક્કા માટે કુલ 10 હજાર 288 મતદાન મથકો તૈયાર કરાયા છે.
