ઉત્તરાખંડ ઇન્વેસ્ટર્સ સમિટનું PMમોદીએ કર્યું ઉદ્ધાટન, 70 હજાર કરોડથી વધુના MOU થયા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં રોકાણકર્તા શિખર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષવા માટે રાજ્યે 12 અલગ અલગ ક્ષેત્ર સુનિશ્ચિત કર્યા છે. જેમાં ખેતી, પર્યટન, ઉર્જા, ઉત્પાદન વગેરેમાં 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થવાની સંભાવના છે.
દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સહિત જાપાન, ચેક રીપબ્લિક, આર્જેન્ટિના, મોરેશિયસ અને નેપાળના ઉદ્યોગપતિઓ પણ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું, કે કેન્દ્ર સરકાર દેશના વિકાસને ગતિ આપવા માટે 400 જેટલા રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ , અને 100 જેટલા નવા એરપોર્ટ અને હેલીપેડ બનાવવાની દિશામાં અગ્રેસર છે.
આ સાથે રીન્યુએબલ એનર્જી અને સૌર ઊર્જા પર ભાર આપતાં તેમણે કહ્યું, કે વર્ષ 2030 સુધીમાં 40 ટકા એનર્જી નોન ફોસીલ ફ્યુઅલથી પેદા કરવા સાથે, વર્ષ 2022 સુધીમાં 175 ગીગાવોટ ગ્રીન એનર્જી પેદા કરવાનું લક્ષ્ય છે.
ઉલ્લેખનીય છે, કે આ સંમેલનની પૂર્વે ઉત્તરાખંડમાં 75 હજાર કરોડથી વધુના રોકાણ પ્રસ્તાવ પર એમઓયુ થઈ ચુક્યા છે. જેમાં સૌર ઊર્જા ક્ષેત્રે 27 હજાર કરોડ, આરોગ્ય ક્ષેત્રે 14 હજાર કરોડ, ઉત્પાદન ક્ષેત્રે 11 હજાર કરોડ, પર્યટન ક્ષેત્રે 13 હજાર કરોડ, આઇટી ક્ષેત્રે 5,500 કરોડ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે 5 હજાર કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે.
