કારગીલ વિજય દિવસ : રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત કેન્દ્રિયમંત્રીઓએ આપી શ્રધ્ધાંજલિ
Live TV
-
સમગ્ર દેશમાં કારગીલ વિજય દિવસ પર વિવિધ કાર્યક્રમનું આયોજન
સમગ્ર દેશમાં કારગીલ વિજય દિવસની 20મી વર્ષગાંઠ મનાવવામાં આવી રહી છે. કારગીલ યુધ્ધની 20મી વર્ષગાંઠના પ્રસંગે આજે જમ્મુ - કાશ્મીરમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મદ્રાસમાં શહીદોના સન્માન માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સેનાની ત્રણેય પાંખ જળ થળ અને વાયુના વડા એ વીર શહીદોને સલામી આપી હતી. શહીદોના સન્માન માટે દૂર દૂરથી લોકો દ્રાસના શહીદ સ્મારકે પહોંચી શ્રધ્ધાજલિં આપી રહ્યા છે.
આ યુધ્ધમાં કારગીલની ટોચ પર વિજય પતાકા લહેરાવનારા સૈનિકોમાં એક બ્રિગેડિયર યોગેન્દ્રસિંહ યાદવ હતા. જેમણે અદમ્ય સાહસ દર્શાવીને પાકિસ્તાનના સૈનિકોને ધૂળ ચટાડી હતી. બાદમાં યોગેન્દ્રસિંહ યાદવને પરમવીર ચક્રથી પણ સન્માનિત કરાયા હતા. યોગેન્દ્રસિંહ યાદવ સાથે અમારા સંવાદદાતા નિરજસિંગે ખાસ વાતચીત કરી હતી.
કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શ્રીનગરના બાદામી બાગમાં યોજાયેલા કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિએ આ પહેલાં ટ્વીટ કર્યું હતું જેમાં લખ્યું હતું કે અમે એ તમામ જવાનોના સાહસને સલામી કરીએ છીએ. જે દેશની રક્ષા માટે શહીદ થઈ ગયા. દેશ આ જવાનોના બલિદાનનું ઋણ નહીં ચૂકવી શકે. ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુએ પણ શહીદોને સલામી આપતા જણાવ્યું હતું કે વિજય દિવસના પ્રસંગે સૈનિકોની કર્તવ્યનિષ્ઠાને અભિનંદન કરૂં છું. વીર બલિદાનીઓની પૂણ્ય સ્મૃતિને વિનમ્ર શ્રધ્ધાંજલિ અર્પણ કરૂં છું. તમારી વીરતા આજે પણ લોક સ્મૃતિમાં જીવિત છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ એક વીડિયો પણ રજૂ કરી પોતાના સંદેશમાં કહ્યું હતું કે મા ભારતીના વીર સપૂતોને વંદન કરૂં છું. આ શહાદત શૌર્ય અને સમર્પણને યાદ અપાવે છે.
સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે લોકસભા અને રાજ્યસભામાં કારગીલ દિવસની ઉજવણીના ભાગરૂપે શહીદોને શ્રધ્ધાંજલિ અપાઈ હતી. પ્રધાનમંત્રી મોદીએ સંસદ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મંત્રીઓ અને સાંસદોએ પણ ભાગ લીધો હતો અને શહીદોની યાદમાં વૃક્ષા રોપણ કર્યું હતું.
