કેટલે પહોચ્યું બુલેટ ટ્રેનનું કામ? ક્યારે માણી શકાશે બુલેટ ટ્રેનની સવારી?
Live TV
-
પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ સાબરમતી ખાતે સપ્ટેમ્બર 2017માં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. અત્યારે આપણે જાણવાની થાય કે બુલેટ ટ્રેનનું કામ કેટલે પહોંચ્યું અને ક્યારે તેની સવારી કરી શકાશે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પરિયોજના માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL)એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અગ્રણી કંપની લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી) કંપની સાથે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેના રૂપિયા 24,985 કરોડના (પ્રોજેક્ટનાં 46.66%) કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. કંપનીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટનું કામ શરૂ કરવા તે કામદારોને તૈનાત કરી ચૂકી છે. એનએચએસઆરસીએલ દ્વારા આ રાહે ગુજરાતમાં બુલેટ ટ્રેનની ૩૨૫ કિ.મી. લાઇન તૈયાર કરવા એલ એન્ડ ટીને કોન્ટ્રાક્ટ આપ્યો છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કુલ કામકાજનું 46 ટકા કામ લાર્સનને મળ્યુ છે. કંપની આ રુટ પર ડિસેમ્બરમાં કામ શરૂ કરી દેશે. આ કામ નવેમ્બર 2024 સુધી પૂરું કરવામાં આવશે. આ રુટ પર સુરત સહિત વાપી, બીલીમોરા, ભરૂચ અને સુરત ડેપો એમ 5 સ્ટેશનો બનાવવામાં આવશે. આ સિવાય લાર્સન એન્ડ ટુબ્રો આ રુટ પર 14 રિવર બ્રિજ, 42 રોડ ક્રોસિંગ, છ રેલવે ક્રોસિંગ બનાવશે. ભરૂચ અને વડોદરા વચ્ચે 350 મીટર લાંબી પહાડી સુરંગ પણ બનાવવામાં આવશે.
બુલેટ ટ્રેન પરિયોજનામાં બનનારા પાંચ કોંક્રિટ બ્રિજ અને સ્ટીલ બ્રિજ માટે ટેન્ડર જારી કરવામાં આવ્યું હતું. આ ટેન્ડર બે પેકેજમા છે. પ્રથમ પેકેજમાં 237.1 કિ.મી.નો રૂટ સામેલ છે. તેમા બે લાઇનવાળા સ્ટીલ અને કોંક્રિટ બ્રિજ બનશે. તેની ડેડલાઇન ત્રણ વર્ષની હશે. જ્યારે બીજું ટેન્ડર વડોદરાથી અમદાવાદ વચ્ચેના 87 કિલોમીટરના રુટનું પેકેજ છે.
જાપાનના ભારત ખાતેના રાજદૂત સંતોષ સુઝુકીએ જણાવ્યું હતું કે, આ મહાકાય માળખાકીય સુવિધા માટેનો કોન્ટ્રાક્ટ એવા સમયમાં અપાઇ રહ્યો છે કે જ્યારે આર્થિક પ્રવૃત્તિને વેગ આપવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે તે આ સાથે માત્ર જાપાની ટેકનોલોજી ભારતમાં ટ્રાન્સફર નહીં થાય પરંતુ કોરિડોરમાં શહેરી વિકાસ પણ થશે. રેલવેના સીઇઓ અને ચેરમેન વી.કે.યાદવે જણાવ્યું હતું કે પ્રથમ બુલેટ ટ્રેન પૂરો થયા પછી સરકાર સાત વધુ રૂટ માટે ટ્રેન કોરિડોર તૈયાર કરવાની કામગીરી હાથ ધરશે. તેને કારણે માત્ર ઇજનેરો, ટેકનિશિયન, ડિઝાઇનર અને આર્કિટેક માટે જ રોજગારી સૃજન નહીં થાય પરંતુ કુશળ અને બિનકુશળ કામદારો માટે પણ રોજગારીની તક ઊભી થશે.બુલેટ ટ્રેનના નિર્માણ માટે નેશનલ હાઇસ્પીડ કોર્પોરેશન અને લાર્સન વચ્ચે થયેલા કરારમાં જાપાનના રાજદૂત સંતોષી સુઝુકી, રેલવે બોર્ડના ચેરમેન વીકે યાદવ, NHRCLના મેનેજિંગ ડિરેક્ટર અચલ ખરે, લાર્સનના સીઇઓ અને એમડી એસએન સુબ્રમણ્યમ અને નીતિ આયોગના અધિકારીઓ હાજર હતા.
જમીન સંપાદન અને અન્ય મંજૂરીઓ
ભારતીય રેલ્વેને 508 કિમી લાંબા અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ રેલ કોરિડોર માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પર્યાવરણ મંજૂરી મળી ગઈ છે. રેલ્વે બોર્ડના સીઈઓ વી.કે. યાદવના જણાવ્યા મુજબ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં જરૂરી મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે 1,651 યુટિલિટીમાંથી 1,070ને હાઇ સ્પીડ ટ્રેન કોરિડોર માટે ટ્રાન્સફર કરવામાં આવી છે. રેલવેને બુલેટ ટ્રેન પરિયોજના માટે જરૂરી જમીનનાં 67% ટકા જમીન મળી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં 956 હેક્ટરમાંથી 825 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે, જે 86 ટકા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં 432 હેક્ટરમાંથી જમીનમાંથી 97 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે, જે જરૂરી જમીનનો માત્ર 22 ટકા જ હિસ્સો છે. જ્યારે દાદરા અને નગર હવેલીમાં 8 હેક્ટર જમીનમાંથી 7 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે.
અંદાજિત ખર્ચ અને લોન
બુલેટ ટ્રેનના 508 કિલોમીટર લાંબા પ્રોજેક્ટ માટે થનાર અંદાજિત ખર્ચ 1.10 લાખ કરોડ રૂપિયા છે. તેમાંથી 88 હજાર કરોડ રૂપિયા જાપાન આંતરરાષ્ટ્રીય સહયોગ એજન્સી ભારતને લોન રૂપે આપશે.
બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ વચ્ચે પ્રતિ કલાક 320 કિલોમીટરની ઝડપે દોડશે. તેમા હાઈ સ્પીડ રેલવે કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. બુલેટ ટ્રેન સલામત રીતે ચાલે તે માટે જાપાન બુલેટ ટ્રેનની ઓટોમેટિક રેલ ફ્રેક્ચર ડિટેક્શન પ્રણાલિનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રણાલિથી ટ્રેક પરના ફ્રેક્ચરની તરત ઓળખ કરી શકાશે.
આ સિવાય બુલેટ ટ્રેનના દરેક કોચને આગથી બચાવવા માટે ફાયર રેટેડ સ્લાઇડિંગ ડોર લગાવાશે. NHSRCLના અધિકારી મુજબ મુંબઈ-અમદાવાદ વચ્ચે 2024થી બુલેટ ટ્રેન શરૂ થવાની શક્યતા છે. આ રુટ પર પ્રતિ દિન 30 હજાર પ્રવાસીઓ પ્રવાસ ખેડશે તેવું અનુમાન લગાવાય છે.