કેન્દ્રીય ગૃહમંત્રીએ સંભવિત વાવાઝોડાના સામના માટે રાજ્યોના આયોજનની સમીક્ષા કરી
Live TV
-
ગુજરાતના મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યથી તાઉતે વાવાઝોડાની સ્થિતિમાં ગુજરાતની પૂર્વ તૈયારીઓની સજ્જતા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને માહિતગાર કર્યા હતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સહીત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમજ દીવ-દમણના પ્રશાસક સાથે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંભવિત વાવાઝોડાની સ્થિતિના સામના માટે રાજ્યોના આયોજનની તલસ્પર્શી સમીક્ષા કરી હતી.
જે અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ભાવનગરથી સીધા વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રીને સંભવિત તાઉતે વાવાઝોડાની સ્થિતિમાં ગુજરાતની પૂર્વ તૈયારીઓની સજ્જતા અંગે માહિતગાર કરતા જણાવ્યું હતું કે, વાવાઝોડાની પરિસ્થિતિમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કોવીડગ્રસ્ત દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે, અને વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
વધુમાં ઉમેરતા તેમણે જણાવ્યું હતું કે, જો સ્થિતિ વણસે, તો તે સંજોગોમાં કોવીડના દર્દીઓને ધ્યાને લઈ કચ્છ, જામનગર, ભાવનગર સહિતના જિલ્લામાં 85 થી પણ વધુ ICU એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત કોવીડના દર્દીઓ માટે ઓક્સિજનની અછત ન સર્જાય અને દર્દીઓને ઓક્સિજનનો અવિરત પુરવઠો મળી રહે તે માટે “ક્રિટિકલ રુટ” તૈયાર કરવામાં આવ્યો છે, તેમજ બફર સ્ટોકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડાની પરિસ્થિતિમાં સ્થાનિક વહીવટી તંત્રને સ્વૈચ્છીક સંગઠનો સાથે સહયોગ સાધવા અનુરોધ કર્યો હતો. આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ અને મહારાષ્ટ્રના મુખ્ય સચિવ પણ આ વિડીયો કોન્ફરન્સમાં સહભાગી થયા હતા.
