કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી લદ્દાખના બે દિવસીય પ્રવાસે, વિકાસ કાર્યોની કરશે સમીક્ષા
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી(30 એપ્રિલ) કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના બે દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન તેઓ લદ્દાખના વિકાસ કાર્યોની સમીક્ષા કરવાની સાથે સાથે ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.
બુદ્ધ પૂર્ણિમાના અવસરે વિશેષ ઉપસ્થિતિ
1 મેના રોજ બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર અવસરે અમિત શાહ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. લદ્દાખના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે, ગૃહમંત્રી 1 થી 14 મે સુધી લદ્દાખમાં આયોજિત થનારા પવિત્ર પ્રદર્શનના આધ્યાત્મિક મહત્વ પર પોતાના વિચારો પણ વ્યક્ત કરશે.રાજકીય સંવાદની પ્રક્રિયા થશે તેજ
ગૃહમંત્રીના પ્રવાસ પૂર્વે ગૃહ મંત્રાલયે એક મહત્ત્વની જાહેરાત કરી છે. લદ્દાખની સ્વાયત્તતા અને સ્થાનિક માંગણીઓ મુદ્દે 22 મેના રોજ એક ઉપ-સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં 'લેહ એપેક્સ બોડી' અને 'કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ'ના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવશે. ફેબ્રુઆરીમાં થયેલી બેઠક બાદ આશરે સાડા ત્રણ મહિનાના અંતરે આ રાજકીય સંવાદ ફરી શરૂ થઈ રહ્યો છે.પોતાના પ્રવાસ દરમિયાન અમિત શાહ લદ્દાખમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની પ્રગતિ તપાસશે અને અગ્રણી નાગરિકો સાથે મુલાકાત કરશે. ઉપરાજ્યપાલના જણાવ્યા અનુસાર, આ મુલાકાત ભારત સરકાર દ્વારા લદ્દાખના વિકાસ પર સતત રાખવામાં આવતા ધ્યાનને પ્રતિબિંબિત કરે છે.
