કેન્દ્ર સરકારે દેશની પંચાયતોને આત્મનિર્ભર બનાવવા માટે 2 લાખ 25 હજાર કરોડ રૂપિયા આપ્યા
Live TV
-
કેન્દ્ર સરકાર દેશની પંચાયતોને આત્મનિર્ભર બનાવવા તથા પંચાયતી રાજ વ્યવસ્થાને મજબૂત કરવા માટે 2 લાખ 25 હજાર કરોડ રૂપિયા આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સ્વામીત્વ યોજના હેઠળ વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ઈ-સંપત્તિ કાર્ડનું વિતરણ કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ યોજના હેઠળ અપાયેલા અને આપનાર ઈ-સંપત્તિકાર્ડ લાભાર્થીઓને બેન્કો પાસેથી ધિરાણ મેળવવામાં પણ ઉપયોગી થશે. પ્રધાનમંત્રીએ સ્વામીત્વ યોજના સમગ્ર દેશમાં લાગુ કરાઈ હોવાની જાહેરાત કરી હતી. તેમણે ગ્રામીણ વિસ્તારનાં નાગરિકોને કોવિડના સંક્રમણને અટકાવવાના નિયમોનું પાલન કરીને કોવિડની બીજી લહેરમાં કોવિડને હરાવવા આહવાન કર્યું હતું. આગામી પહેલી મેથી સરકારે કોવિડ રસીકરણ કાર્યક્રમને વધુ વ્યાપક બનાવી 18 વર્ષથી વધુ વયના દરેક નાગરિકને રસી અપાશે તેમ જણાવીને પ્રધાનમંત્રીએ રસી લેવા નાગરિકોને અપીલ કરી હતી. મોદીએ દેશની બધી જ ગ્રામપંચાયતોને ભૂગર્ભ જળસંગ્રહ, સ્વચ્છતા, વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી, શિક્ષણ જેવા મુદ્દે લોકજાગૃતિ ઝુંબેશ સ્થાનિક કક્ષાએ શરૂ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડ નાગરિકોને આગામી મે અને જૂન મહિનામાં વિનામૂલ્યે અનાજ આપવાના નિર્ણય અંગે જાણકારી આપી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વિવિધ શ્રેણીનાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2021 અર્પણ કર્યા હતા.
