કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસથી પ્રભાવિત વિસ્તારોમાં લોકડાઉનની જાહેરાત કરાઈ
Live TV
-
કેન્દ્ર સરકારે કોરોના વાયરસથી પ્રભાવિત વિસ્તારોમાં જ્યાં લોકડાઉન અર્થાત બંધની જાહેરાત કરાઈ છે ત્યાં બંધનો અમલ ચુસ્તપણે કરાવવા રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યો છે. સૂચનાઓનું પાલન નહીં કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર ઉપર વધુમાં જણાવ્યું છે કે, કેટલાંક લોકો સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરતાં નથી. તેમણે સૂચનાઓનું પાલન નહીં કરનાર લોકોને કોરોના અંગેની સૂચનાઓનો યોગ્ય અમલ કરીને પોતાને અને પોતાના પરિવારજનોને બચાવવા અપીલ કરી હતી.
અગાઉ કેન્દ્ર સરકારે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે તેવા 75 જિલ્લાઓમાં યોગ્ય નિર્દેશ જારી કરવા રાજ્ય સરકારોને આદેશ આપ્યો હતો. આવા વિસ્તારોમાં અમદાવાદ, ગાંધીનગર, દિલ્હી, જયપુર, ચેન્નાઈ અને મુંબઈ સહિત 17 શહેરોનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે શહેરોની લોકલ ટ્રેન તથા બધી જ મેટ્રો રેલ સેવાઓ અને આંતરરાજ્ય મુસાફર પરિવહન સેવાઓ આગામી 31મી માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
