કેરલમાં ચોમાસાનું આગમન થયું
Live TV
-
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં દેશના બાકીના વિસ્તારોમાં પણ ચોમાસુ બેસશે.
નૈઋત્યનું ચોમાસુ ટૂંકસમયમાં કેરળના તટે ટકોરા મારશે. હવામાન વિભાગે સોમવારે જણાવ્યું કે ચોમાસુ આગામી 24 કલાક એટલે કે મંગળવાર સુધીમાં કેરળના તટે ટકરાવાનું અનુમાન છે. બીજી બાજુ, ખાનગી એજન્સી સ્કાઇમેટે ચોમાસુ સોમવારે જ કેરળ પહોંચી જવાનો દાવો કર્યો છે. થોડા દિવસો પહેલા મોસમ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે દેશના ઉત્તરીય વિસ્તારોમાં આંધી-વાવાઝોડાની અસરના કારણે આ વખતે ચોમાસુ 4-5 દિવસ વહેલું આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કેરળમાં સામાન્ય રીતે ચોમાસુ શરૂ થવાની તારીખ 1 કે 2 જૂન હોય છે. તે પછીથી દેશમા વરસાદની મોસમ શરૂ થાય છે.
ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, હવામાન વિભાગ (આઇએમડી)ના એડિશનલ ડેપ્યુટી ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રે કહ્યું કે સોમવારે સવારે જાહેર થયેલા બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે ચોમાસુ આગામી 24 કલાકમાં કેરળ પહોંચશે.
મોસમને લગતી આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટના સીઇઓ જતિન સિંહે જણાવ્યું કે, `કેરળની ઉપર ચોમાસુ આવવા જેવી સ્થિતિ બની ચૂકી છે. એ રીતે અમે કહી શકીએ છીએ કે દેશમાં વરસાદની મોસમ શરૂ થઇ ચૂકી છે. ચોમાસુ 28 મેએ જ કેરળ પહોંચી ગયું છે.'
- સ્કાયમેટના વાઇસ પ્રેસિડન્ટ મહેશ પલવતે કહ્યું કે કેરળના બધા મોસમ કેન્દ્રો પર છેલ્લા બે દિવસથી વરસાદ રેકોર્ડ કરાયો છે. હવાની ગતિ પણ મોસમ પ્રમાણે છે, તેથી લાગે છે કે ચોમાસુ કેરળ પહોંચી ગયું છે.
