કેરળમાં નીપા વાયરસથી હાહાકાર, 3 લોકોના મોત
Live TV
-
એનસીડીસીની ટીમ કેરળ પહોંચી , આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવધાન રહેવા એલર્ટ
કેરળનાં કોઝિકોડ અને માલાપુરમ જિલ્લામાં નિપાહ વાઇરસને કારણે 3 લોકોનાં મોત થયાં છે. નિપાહ વાઇરસ વૃક્ષો અને કૂવાઓમાં રહેતાં ચામાચીડિયા દ્વારા ફેલાય છે અને તેની અસર થતાં વ્યક્તિ ૪૮ કલાકમાં કોમામાં સરી પડે છે. નિપાહ વાઇરસનો વ્યાપ ફેલાતાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવધાન રહેવા એલર્ટ કરવામાં આવ્યાં છે. કોઝિકોડમાં ચાંગરથ ગામે એક જ પરિવારનાં ૪ લોકોનાં મોત થયાં છે અને તેની સારવાર કરતી એક નર્સનું પણ મોત થયું છે. અન્ય ૪ની હાલત ગંભીર છે, જોકે કેરળના આરોગ્યપ્રધાન કે. કે. શૈલજાએ હજી ૩નાં મોતની પુષ્ટિ કરી છે. પુણેની વાઇરોલોજી ઇન્સ્ટિટયૂટ દ્વારા લોહીના ત્રણ નમૂનામાં નિપાહ વાઇરસ હોવાનું જણાયું છે. નિપાહ વાઇરસ ૨૦ વર્ષ પહેલાં સૌપ્રથમ વખત મલેશિયામાં જોવા મળ્યો હતો. કેરળ સરકારની વિનંતી પછી એનસીડીસીની ટીમ કેરળ પહોંચી ગઈ છે. કોઝિકોડમાં કન્ટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે. આ વાઇરસને કારણે દર ૪માંથી ૩ દર્દીનાં મોત થાય છે. કેરળના આરોગ્યપ્રધાને કહ્યું હતું કે સ્થિતિ કાબૂમાં છે અને તકેદારીનાં તમામ પગલાં લેવાઈ રહ્યાં છે.
આ વાયરસ 1998માં પ્રથમ વખત મલેશિયાના કાંપુંગ સુંગઈ નિપાહ વિસ્તારમાં સામે આવ્યો છે. જેથી વાયરસને નિપાહ નામ આપવામાં આવ્યું. પહેલાં તેની અસર ભુંડમાં જોવા મળી હતી. 2004માં આ વાયરસ બાંગ્લાદેશમાં ફેલાયો હતો.ભારતમાં આ વાયરસ પ્રથમ વખત પશ્ચિમ બંગાળમાં 2001માં સામે આવ્યો હતો. વાયરસથી પ્રભાવિત લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે અને બાદમાં મગજમાં બળતરા થાય છે. સમયસર સારવાર ન મળવાથી મોત થાય છે. હજુ સુધી આ વાયરસ સાથે સંકળાયેલી કોઈ રસી શોધાઈ નથી.
