કોંગ્રેસના દિગ્ગજ નેતા જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા
Live TV
-
કોંગ્રેસના મોટા નેતા અને રાહુલ ગાંધીના નજીકના ગણાતા જિતિન પ્રસાદ BJPમાં સામેલ થયા છે. દિલ્હી સ્થિત BJP કાર્યાલયમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે તેમને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું. આ પહેલાં જિતિન પ્રસાદે ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. ભાજપમાં જોડાયા બાદ જીતીન પ્રસાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને મળ્યા હતા.
જીતીન પ્રસાદે કહ્યું કે મારા રાજકીય જીવનનો આ નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. કોંગ્રેસની સાથે મારે ત્રણ પેઢીઓથી સંબંધ છે. આ મહત્વનો નિર્ણય વિચાર અને મંથન પછી લેવામાં આવ્યો છે. સવાલ એ નથી કે હું કઈ પાર્ટીને છોડીને આવી રહ્યો છું. સવાલ એ છે કે કઈ પાર્ટીમાં જઈ રહ્યો છું અને શા માટે જઈ રહ્યો છું. છેલ્લા થોડા વર્ષોમાં એ વાત મેં અનુભવી છે કે દેશમાં ખરેખર કોઈ રાજકીય પાર્ટી છે તો તે ભાજપ છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ એ 23 નેતાઓમાં સામેલ હતા જેમણે કોંગ્રેસના નેતૃત્વમાં ફેરફાર અને પાર્ટીને વધુ સક્રિય બનાવવા માટે પત્ર લખ્યો હતો. યુપીમાં તેને લઈને કેટલાક નેતાઓએ તેમનો વિરોધ પણ કર્યો હતો.
જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા બાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, જીતીન પ્રસાદના આગમનથી ભાજપ પક્ષ વધુ મજબૂત બનશે.
