કોંગ્રેસ નેતા સંજય નિરુપમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા
Live TV
-
કોંગ્રેસ નેતા સંજય નિરુપમને કોંગ્રેસ પાર્ટીમાંથી 6 વર્ષમાટે હાંકી કાઢવામાં આવ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અનુશાસનહીન અને પક્ષ વિરોધી નિવેદનોની ફરિયાદોને પગલે સંજય નિરુપમની હકાલપટ્ટીને મંજૂરી આપી દીધી છે. આ હુકમ તાત્કાલિક અસરથી અમલમાં કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, પાર્ટી વિરોધી નિવેદન આપવાના કારણે નિરુપમ સામે કાર્યવાહી કરાઈ હતી. વાસ્તવમાં સંજય નિરુપમે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી સાથે સીટ વહેંચણી અંગે ટિપ્પણી કરી હતી. તેમના નિવેદનો પાર્ટી માટે યોગ્ય નહોતા.
સંજય નિરુપમે કોંગ્રેસને અલ્ટીમેટમ આપ્યું હતું
શિવસેના (અવિભાજિત) થી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનાર સંજય નિરુપમે 2009માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતી હતી. મહારાષ્ટ્ર કોંગ્રેસે બુધવારે જ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. ત્યારે સંજય નિરુપમે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને કોંગ્રેસને અલ્ટીમેટમ આપ્યું હતું. તેમણે લખ્યું કે, 'એક સપ્તાહનો સમય થઈ ગયો છે અને હવે આવતીકાલે હું જાતે નિર્ણય લઈશ.
સંજય નિરુપમ MVA ગઠબંધનથી નારાજ હતા
મુંબઈ ઉત્તરના પૂર્વ સાંસદ નિરુપમ મહાવિકાસ અઘાડી પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ખુશ ન હતા. તેઓ સતત પુનરોચ્ચાર કરતા હતા કે શિવસેના (UBT) કોંગ્રેસને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડને એમવીએ સાથે ગઠબંધન તોડવાની સલાહ આપી હતી. તેમણે શિવસેના (UBT) દ્વારા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી સામે પણ વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ વ્યક્ત કરી હતી કે રાજ્યમાં પાર્ટીને બચાવવા માટે આ ગઠબંધન તોડવાની જરૂર છે.